12 June, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના પનવેલના પોયંગે ગામમાં આવેલી પ્રાઇવેટ કૉલેજમાં BSc નર્સિંગનો કોર્સ કરી રહેલા ૧૯ વર્ષના સ્ટુડન્ટે ૩ જૂને તેની હૉસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાંઈને જીવન ટૂંકાવી દીધું હતું. તેની માતાએ આ બદલ પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાથી હવે કૉલેજના પ્રિન્સિપાલ સામે આત્મહત્યા કરવા માટે ઉકસાવવાનો ગુનો નોંધાયો છે.
પ્રિન્સિપાલે તે સ્ટુડન્ટને બધા સામે તેની જાતિને લઈને ઉતારી પાડ્યો હતો અને તેનું અપમાન કર્યું હતું. એ સિવાય કેટલાક મહિનાઓથી પ્રિન્સિપાલ સ્ટુડન્ટને તેની મર્દાનગી બાબતે પણ હલકો ચીતરતાં હતાં. એથી માનસિક હૅરૅસમેન્ટને કારણે હતાશામાં સરી પડી તે સ્ટુડન્ટે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પનવેલ તાલુકા પોલીસે આ બાબતે કહ્યું હતું કે ‘અમે આ કેસમાં પ્રિન્સિપાલ સામે આત્મહત્યા કરવા ઉશ્કેરવાની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફનાં સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ કર્યું છે. સાથે જ આ સંદર્ભે અન્ય પુરાવા પણ એકઠા કરી રહ્યા છીએ.’