10 May, 2025 10:43 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ત્યારે ભારતમાં રહીને આપણા દુશ્મન દેશ પાકિસ્તાનના કેટલાક ચાહકો સોશ્યલ મીડિયામાં સક્રિય હોવાનું જણાઈ આવ્યું છે. પુણેની એક એન્જિનિયરિંગ કૉલેજની ૧૯ વર્ષની સ્ટુડન્ટ ખતીજા શેખે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાકિસ્તાન ઝિંદાબાદ લખવા ઉપરાંત વાંધાજનક ટિપ્પણી કરી હોવાનું ધ્યાનમાં આવતાં પુણે પોલીસે આ સ્ટુડન્ટની ગઈ કાલે ધરપકડ કરી હતી.
પુણે પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર (ઝોન પાંચ) રાજકુમાર શિંદેએ કહ્યું હતું કે ‘સકલ હિન્દુ સમાજના કાર્યકરોએ પોલીસને જાણ કરી હતી કે ખતીજા શેખ નામની એન્જિનિયરિંગમાં ભણી રહેલી સ્ટુડન્ટે પાકિસ્તાન ઝિંદાબાદ અને ભારત વિશે વાંધાજનક ટિપ્પણી કરતી પોસ્ટ તેના સોશ્યલ મીડિયાના અકાઉન્ટમાં કરી છે. અમે તરત જ ખતીજા શેખનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કર્યું હતું, જેમાં તેણે ભારતવિરોધી ટિપ્પણી કરી હોવાનું જણાતાં તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૫૨, ૧૯૬, ૨૯૯ અને ૩૫૨ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. આરોપી ખતીજા શેખ કોઈ ભારતવિરોધી સંગઠન સાથે સંકળાયેલી છે કે કેમ એની પૂછપરછ કરવામાં આવી રહી છે.’
CAની એક્ઝામ પોસ્ટપોન થઈ
ભારત–પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા જંગને લીધે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ તેમની એક્ઝામ પોસ્ટપોન કરી છે. ૯થી ૧૪ મે દરમ્યાન યોજાનારી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વૉલિફિકેશન કોર્સ એક્ઝામિનેશન્સ (ઇન્ટરનૅશનલ ટૅક્સેશન અસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) ૨૦૨૫ પોસ્ટપોન કરી છે.