સોમવારે ઇન્ડિગોની ૧૮૦૦+ ફ્લાઇટ ઊપડી, ૫૬૨+ રદ થઈ

09 December, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭ દિવસમાં ૫,૮૬,૭૦૫ ટિકિટ કૅન્સલ થઈ, ૫૬૯.૬૫ કરોડ રૂપિયાનું રીફન્ડ ચૂકવાયું

ગઈ કાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ અૅરપોર્ટ પર પૅસેન્જરોનાં લગેજનો ઢગલો

ઇન્ડિગો ઍરલાઇન્સે જણાવ્યું હતું કે એણે ગઈ કાલે ૧૮૦૨ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું, જે રવિવારની ૧૬૫૦ ફ્લાઇટ્સ કરતાં વધારે હતું. ગઈ કાલે લગભગ ૫૬૨ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેમાં બૅન્ગલોર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ઍરલાઇને ખાતરી આપી છે કે ૧૦ ડિસેમ્બરથી ફ્લાઇટ-સર્વિસ પૂર્વવત્ કરી દેવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ૧થી ૭ ડિસેમ્બર દરમિયાન ૫,૮૬,૭૦૫ ટિકિટ રદ કરવામાં આવી હતી અને રીફન્ડ કરવામાં આવ્યું હતું. ટિકિટ રદ થવાને કારણે મુસાફરોને ૫૬૯.૬૫ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. 

ઇન્ડિગો સામે કડક કાર્યવાહી થશેઃ ઉડ્ડયન પ્રધાન
નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર નિયમોનું ઉલ્લંઘન કરતી ઍરલાઇન્સ માટે ઉદાહરણ સ્થાપિત કરે એવી રીતે ઇન્ડિગો સામે કડક કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. મુસાફરોને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો એ ઍરલાઇનના આંતરિક ક્રૂ રોસ્ટરિંગ અને ઑપરેશનલ પ્લાનિંગ સાથે જોડાયેલો છે, ઍરક્રાફ્ટ મેઇન્ટેનન્સ ઍન્ડ શેડ્યુલિંગ સિસ્ટમ (AMSS) સાથે નહીં. સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

ઇન્ડિગોના એક કર્મચારીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો... અમને કહેવામાં આવ્યું હતું કે ‘પૅસેન્જર શબ્દ ન વાપરો, ગ્રાહક કહો’

ઇન્ડિગોમાં કામ કરતા એક અનામી કર્મચારીએ લખેલા ખુલ્લા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ‘જ્યારે ઍરલાઇન ૨૦૦૬માં નાના સ્તરે શરૂ થઈ હતી ત્યારે દરેકને એના પર ખરેખર ગર્વ હતો, પરંતુ પછી ગૌરવ ઘમંડમાં ફેરવાઈ ગયું અને વૃદ્ધિ લોભમાં ફેરવાઈ ગઈ હતી. કંપનીએ અમને લોકો માટે પૅસેન્જર શબ્દ વાપરવાની ના પાડીને કસ્ટમર શબ્દ વાપરવા કહ્યું હતું. તેમણે કહેલું કે જો તમે પૅસેન્જર કહેશો તો તેઓ પોતાને ઍરલાઇનના માલિક સમજી લેશે. એટલે તેમને ગ્રાહક કહેવાનું ચાલુ કરો. લોકો સીટ માટે પૈસા આપે છે અને તેમના જીવ માટે જેના પર ભરોસો મૂકે છે તેમના પ્રત્યે આવા વિચારો છે.’

mumbai news mumbai indigo mumbai airport delhi airport indira gandhi international airport