કલ્યાણમાં ૧૭ વર્ષના બાઇકર પરથી બસનું ટાયર ફરી વળ્યુંં

02 May, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ કૉલેજ છૂટ્યા બાદ અમન બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો એ સમયે બિરલા કૉલેજની સામે મુરબાડ હાઇવે પર આ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામનાર અમન દુબે.

કલ્યાણ-વેસ્ટમાં બિરલા કૉલેજ નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસે ગઈ કાલે બપોરે ૧૭ વર્ષના અમન દુબેને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલો અમન બિરલા કૉલેજનો વિદ્યાર્થી હતો. આ મામલે કલ્યાણના મહાત્મા ફુલે પોલીસે બસ-ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી હતી. ગઈ કાલે બપોરે એક વાગ્યાની આસપાસ કૉલેજ છૂટ્યા બાદ અમન બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો એ સમયે બિરલા કૉલેજની સામે મુરબાડ હાઇવે પર આ અકસ્માત થયો હતો.

અમને બાઇક પરથી સંતુલન ગુમાવતાં તે નીચે પડ્યો હતો એ જ સમયે પાછળથી આવતી બસ નીચે તે કચડાઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે એમ જણાવતાં મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે બપોરે કૉલેજ છૂટ્યા બાદ અમન કૉલેજથી બાઇક પર ઘરે જઈ રહ્યો હતો એ દરમ્યાન રોડ ક્રૉસ કરીને સામે જતી વખતે તેણે બાઇક પરનો કાબૂ ગુમાવતાં તે નીચે પડી ગયો હતો અને પાછળ આવતી બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો. અકસ્માત બાદ બસ-ડ્રાઇવર અને રાહદારીઓ અમનને ગંભીર હાલતમાં તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ત્યાંના ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બસ રાજગુરુનગર બસ ડેપોની હતી. આ કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો છે.’

kalyan road accident news crime news mumbai crime news mumbai mumbai police mumbai news