બે વર્ષમાં દોઢસો બેઠક બાદ મળી હતી સફળતા

29 March, 2023 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે દેવેન્દ્ર ફડણવીસના આદેશ અને એકનાથ શિંદેના સહયોગથી રાજ્યભરમાં આટલી બેઠકો કર્યા બાદ શિવસેનાના વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેથી જુદા પડવાનો નિર્ણય લીધો હોવાનો દાવો કર્યો

તાનાજી સાવંત

રાજ્યના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે ગઈ કાલે દાવો કર્યો હતો કે શિવસેનામાં થયેલો ઐતિહાસિક બળવો રાતોરાત નહોતો થયો. આ માટે બે વર્ષમાં દોઢસો બેઠકો દેવેન્દ્ર ફડણવીસના આદેશથી લેવામાં આવી હતી અને એકનાથ શિંદેનો પણ એમાં સહયોગ મળ્યો હતો એટલે શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.

આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે સારું કામ કરતા હતા તો પણ પ્રધાનમંડળમાં અમને સ્થાન નહોતું મળ્યું. આથી એ સમયે જ મેં ક્યારેય માતોશ્રીનાં પગથિયાં ન ચડવાના શપથ લીધા હતા અને ઉદ્ધવ ઠાકરે સામે જાહેરમાં બળવો કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસની મદદથી ધારાશિવ જિલ્લા પરિષદમાં બીજેપી સાથે સત્તા સ્થાપી. ત્યાર બાદ શિવસેનાના વિધાનસભ્યોના મત-પરિવર્તન કરવાની શરૂઆત કરી હતી. રાજ્યભરમાં ૧૫૦ બેઠકો લીધી. આમાં ફડણવીસ અને એકનાથ શિંદેએ ભરપૂર સહયોગ કર્યો એટલે જ ઉદ્ધવ ઠાકરેની સરકાર પાડવામાં સફળતા મળી.’

ધારાશિવમાં ભૈરવ કેસરી કુસ્તી સ્પર્ધામાં હાજરી આપ્યા બાદ તાનાજી સાવંતે ઉદ્ધવ ઠાકરે સરકાર તોડી પાડવા માટે પોતે વ્યૂહરચના બનાવી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ આપેલા સમર્થનને નકારીને બીજેપી સાથેની યુતિ તોડી હતી અને શરદ પવારના ખોળામાં બેસી ગયા હતા. આ સરકારમાં પોતાને પ્રધાનમંડળમાં સ્થાન નહોતું અપાયું એટલે માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેને કહીને આવ્યો હતો કે હવે માતોશ્રીમાં ક્યારેય નહીં આવું. બાદમાં દેવેન્દ્ર ફડણવીસના આદેશથી ત્રીજી જાન્યુઆરીએ રાજ્યમાં શિવસેનાની અંદર પહેલો બળવો કર્યો. બળવા બાદ મહાવિકાસ આઘાડી સરકાર પાડવા માટેના પ્રયાસ ચાલુ કર્યા અને એમાં અમને સફળતા મળી.’
તાનાજી સાવંતના દાવાને માનવામાં આવે તો વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેએ યુતિ તોડ્યા બાદના પહેલા દિવસથી જ ફરી સત્તા મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હોવાનું જણાઈ આવે છે.

લાઇટ જતાં કર્યો દેવેન્દ્ર ફડણવીસને ધમકીનો ફોન
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નાગપુરમાં આવેલા ઘરની સામે બૉમ્બ મૂક્યો હોવાનો નનામો કૉલ મંગળવારે મળ્યા બાદ પોલીસે ફેક કૉલ કરનારાને તાબામાં લીધો હતો. મંગળવારે રાત્રે ૧૨ વાગ્યે બૉમ્બની ધમકીનો કૉલ મળ્યા બાદ નાગપુર પોલીસે તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે રાત્રે લાઇટ જતી રહી હતી ત્યારે એક વ્યક્તિએ પોલીસને ધંધે લગાડવા માટે ફડણવીસના ઘરની સામે બૉમ્બ મૂક્યો હોવાનો કૉલ નાગપુર પોલીસને કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે જોકે આ બાબતને ગંભીરતાથી લઈને રાતના બારથી એક વાગ્યા દરમ્યાન ફડણવીસના ઘર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ કરી હતી, પણ કોઈ બૉમ્બ નહોતો મળ્યો. મોડી રાત્રે અચાનક લાઇટ જતી રહી હતી એટલે ઊંઘ ડિસ્ટર્બ થતાં તાબામાં લેવામાં આવેલી વ્યક્તિએ પોતાની જેમ પોલીસ પણ ધંધે લાગે એ માટે બૉમ્બનો બોગસ કોલ કર્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં કહ્યું હતું.

દિલ્હી કોર્ટે ઉદ્ધવ-આદિત્ય ઠાકરે અને રાઉતને સમન્સ મોકલ્યા
દિલ્હી હાઈ કોર્ટે ઉદ્ધવ-આદિત્ય ઠાકરેની સાથે સંજય રાઉતને બદનક્ષીના મામલામાં ગઈ કાલે સમન્સ મોકલ્યા હતા. ત્રણેય નેતાઓએ ૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને એકનાથ શિંદે જૂથે શિવસેના પક્ષ અને ધનુષબાણ ચૂંટણી પંચ પાસેથી મેળવ્યું હોવાનો આરોપ કર્યો હતો. આ બાબતે એકનાથ શિંદે જૂથના સાંસદ રાહુલ શેવાળેએ દિલ્હી હાઈ કોર્ટમાં ત્રણેય નેતા સામે બદનક્ષીનો દાવો કર્યો છે. દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આવા આક્ષેપો કોર્ટના અંતરાત્માને આંચકો આપે છે. સવાલ એ છે કે જાહેરમાં આવું કહેવાથી કોર્ટની જેમ જ મારા અંતરાત્માને પણ આંચકો લાગ્યો છે. આટલું કહીને કોર્ટે ઉદ્ધવ-આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને સમન્સ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે કોર્ટમાં સોગંદનામાં રજૂ કરવામાં આવ્યા બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના પક્ષ અને ધનુષબાણ એકનાથ શિંદે જૂથને ફાળવ્યા બાદ ઉદ્ધવ-આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે ચૂંટણી 
પંચના નિર્ણયને એકતરફી ગણાવીને આ નિર્ણય માટે ૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનો આરોપ 
કર્યો હતો. 
મંત્રાલયની બહાર ઝેર પીને મહિલાએ કરી આત્મહત્યા
મુંબઈમાં મંત્રાલયની સામે સોમવારે ધુળેથી આવેલી શીતલ ગાદેકર નામની મહિલાએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાનું ગઈ કાલે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ધુળેમાં એમઆઇડીસીમાં એક પ્લૉટ સંબંધે ચાલી રહેલા વિવાદમાં આ મહિલાને ન્યાય ન મળતો હોવાથી તે ધુળેથી મુંબઈ આવી હતી અને પોતાને ન્યાય મળે એ માટે મંત્રાલય પાસે પહોંચી હતી. પાસ વગર લોકોને મંત્રાલયમાં પ્રવેશવા નથી દેવાતા એટલે આ મહિલાએ મંત્રાલયની સામે જ ઝેર પીધું હતું અને ત્યાં જ ઢળી પડી હતી. તેને તાત્કાલિક ધોરણે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જોકે અહીં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news maharashtra bharatiya janata party shiv sena devendra fadnavis uddhav thackeray aaditya thackeray eknath shinde