૧૪ વર્ષની ટીનેજરને ૫૦,૦૦૦ રૂપિયામાં ખરીદી, લગ્ન કરીને ગર્ભવતી બનાવી, બાળકી જન્મી એટલે મારીને કાઢી મૂકી

07 October, 2025 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘરમાં સામે આવ્યો માનવ-તસ્કરી અને બાળવિવાહનો ચોંકાવનારો કિસ્સો

પોલીસે ટીનેજરનાં સાસરિયાં સહિત ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે

પાલઘરમાં સામે આવ્યો માનવ-તસ્કરી અને બાળવિવાહનો ચોંકાવનારો કિસ્સો

‘તને ૫૦,૦૦૦માં ખરીદીને લાવ્યો છું, તારાં મા-બાપને કહે કે પૈસા પાછા આપે.’

આ શબ્દો છે ૧૪ વર્ષની ટીનેજરને ખરીદી લાવીને બળજબરીપૂર્વક પત્ની બનાવનાર પતિના. ટીનેજરની ભૂલ એટલી હતી કે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. આ ‘ગુનો’ કરવા બદલ ૧૬ વર્ષની ટીનેજરને તેણે જન્મ આપેલી દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. માનવતસ્કરી અને બાળવિવાહનો આ ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો.

પાલઘર જિલ્લાના વાડામાં કાતકરી આદિવાસી સમૂહની ટીનેજરને તેનાં મા-બાપે ૫૦,૦૦૦ રૂપિયામાં વેચી નાખી હતી. ૨૦૨૨માં આ ટીનેજરનો સોદો કરાવનારે જ તેને ખરીદનાર સાથે લગ્ન પણ કરાવી આપ્યાં હતાં. ટીનેજરે કહ્યું હતું કે ‘મારી મમ્મીએ પહેલાં મારાં લગ્નનો વિરોધ કર્યો હતો, પણ દલાલે ધમકી આપી એટલે મારાં લગ્ન કરાવી દીધાં.’

લગ્ન બાદ ટીનેજરના પતિએ ખોટી તારીખો નાખીને તેનું આધારકાર્ડ બનાવી દીધું હતું અને તેના બાળવિવાહ ન હોવાનું સાબિત કર્યું હતું. તેને બળજબરીથી ગર્ભવતી પણ બનાવી દીધી હતી. ૨૦૨૩માં સગીરાએ દીકરીને જન્મ આપ્યા બાદ તેના પતિ અને સાસરિયાં દીકરો ન આવવા બદલ તેની મારપીટ કરતાં હતાં, તેને ભૂખી રાખતાં હતાં અને બીજા સાથે અફેર હોવાનું કહીને તેને હેરાન કરતાં હતાં. છેવટે એક દિવસ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

શ્રમજીવી સંઘટનાના કાર્યકરોએ ટીનેજરનો કેસ વાડા પોલીસ-સ્ટેશનને જણાવ્યો હતો, જેના આધારે પોલીસે ટીનેજરનાં સાસરિયાં સહિત ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તેના પતિ તથા તેનો સોદો કરાવનાર દલાલની ધરપકડ કરી છે.

- મેઘા પરમાર

mumbai news mumbai palghar Crime News mumbai crime news sexual crime Protection of Children from Sexual Offences Act POCSO