Zimbabwe: ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ: ભારતીય ઉદ્યોગપતિ સહિત છ લોકોનાં મોત

02 October, 2023 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝિમ્બાબ્વે (Zimbabwe)ના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક પ્લેન ક્રેશ (Plane Crash) થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં ભારતીય અબજોપતિ અને તેના પુત્ર સહિત છ લોકોનાં મોત થયાં હતાં

પ્રતીકાત્મક તસવીર

ઝિમ્બાબ્વે (Zimbabwe)ના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક પ્લેન ક્રેશ (Plane Crash) થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં ભારતીય અબજોપતિ અને તેના પુત્ર સહિત છ લોકોનાં મોત થયાં હતાં. ટેક્નિકલ ખામીના કારણે તેમનું ખાનગી વિમાન હીરાની ખાણ પાસે ક્રેશ થતાં આ અકસ્માત સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.

ઝિમ્બાબ્વેના સમાચાર અને મીડિયા વેબસાઇટ આઇહરારેના જણાવ્યા અનુસાર, સોનું, કોલસો, નિકલ અને તાંબાનું ઉત્પાદન કરતી વૈવિધ્યસભર ખાણકામ કંપની, રિયોઝિમના માલિક હરપાલ રંધાવા અને અન્ય ચાર લોકોના મોત થયા હતા જ્યારે મશોનાના ઝવામહાન્ડે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું.

રિયોજિમની માલિકીનું સેસ્ના 206 એરક્રાફ્ટ હરારેથી મુરોવા હીરાની ખાણ તરફ જઈ રહ્યું હતું ત્યારે શુક્રવારે આ દુઃખદ ઘટના બની હતી. ઝ્વામહાંડે વિસ્તારમાં પીટર ફાર્મ પર પડતાં પહેલાં, વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી, જે સંભવિતપણે હવામાં વિસ્ફોટમાં પરિણમી હતી.

તમામ મુસાફરો અને ક્રૂએ જીવ ગુમાવ્યો

અહેવાલમાં જણાવાયું હતું કે પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. રાજ્ય માલિકીના દૈનિક અખબાર ધ હેરાલ્ડે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે પીડિતોમાં ચાર વિદેશી હતા અને અન્ય બે ઝિમ્બાબ્વેના હતા.

પોલીસે હજુ સુધી મૃતકોના નામ જાહેર કર્યા નથી. પત્રકાર અને ફિલ્મ નિર્માતા હોપવેલ ચિનોનો (જે રંધાવાના મિત્ર હતા)એ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ચિનોનોએ X પર લખ્યું હતું કે, “રયોજિમના માલિક હરપાલ રંધાવાના નિધન વિશે સાંભળીને મને દુઃખ થયું. આજે ઝ્વેશેવેનમાં વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર સહિત અન્ય પાંચ લોકોનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.” તેમણે ઉમેર્યું હતું કે, “મારી સંવેદના તેમની પત્ની, પરિવાર, મિત્રો અને રિયોજિમ સમુદાય સાથે છે.”

મુંબઈ એરપોર્ટ પર પ્લેન ક્રેશ

વિઝાગ (વિશાખાપટ્ટનમ)થી મુંબઈ આવી રહેલું એક પ્રાઇવેટ જેટ વિમાન ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટના ટી-૧ના રન-વે પર લૅન્ડ થઈ રહ્યું હતું ત્યારે ​સ્કિડ થઈ ગયું હતું અને રન-વે પરથી સરકીને બાજુના ઘાસમાં ચાલ્યું ગયું હતું અને ત્યાં પટકાતાં એનો અકસ્માત થયો હતો અને એ સળગી ઊઠ્યું હતું. જોકે નસીબજોગે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ક્રૂ મેમ્બર સહિત કુલ આઠ જણ ઘાયલ થયા હતા. વરસાદને લીધે વેધર ખરાબ હોવાને લીધે વિઝિબિલિટી ઓછી હોવાથી આ દુર્ધટના બની હોવાનો પ્રાથમિક અંદાજ છે.

બીએમસીના જણાવ્યા મુજબ મેસર્સ વીએસઆર વેન્ચર્સનું લૅરજેટ ઍરક્રાફ્ટ વીટી-ડીબીએલ વિઝાગથી મુંબઈ આવી રહ્યું હતું. આ નાના એવા જેટ પ્લેનમાં બે ક્રૂ મેમ્બર અને  છ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સાંજે ૧૭.૪૫ વાગ્યે મુંબઈ ઍરપોર્ટના ટી-૧ના રન-વે પર એણે જ્યારે લૅન્ડિંગ કર્યું ત્યારે એ ​સ્કિડ થઈ ગયું હતું અને રન-વેની બાજુના ઘાસ પર ચાલ્યું ગયું હતું. એ પછી એ તૂટી પડ્યું હતું અને ઍર ક્રાફ્ટમાં આગ લાગી હતી. જોકે નાની-મોટી ઈજાઓ સાથે બન્ને ક્રૂ મેમ્બર, છ પૅસેન્જર, પાઇલટ અને કો-પાઇલટ બચી ગયા હતા. તરત જ ફાયર બ્રિગેડનાં ફાયર એન્જિન ત્યાં ધસી ગયાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. ફાયર બ્રિગેડ સહિત ઍરલાઇનના અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. ઘાયલોને ક્રિટિકૅર હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

zimbabwe india business news national news international news