02 April, 2026 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગૂગલે એના Gmail યુઝર્સ માટે એક ખૂબ જ ખાસ ફીચર લૉન્ચ કર્યું છે. યુઝર્સ હવે તેમના Gmail અકાઉન્ટ યુઝરનેમ એટલે કે @gmail.com પહેલાંનો ભાગ બદલી શકશે. આ નવા અપડેટ સાથે યુઝર્સ નવું અકાઉન્ટ બનાવ્યા વિના તેમનું જૂનું ઈ-મેઇલ અૅડ્રેસ બદલી શકે છે અને તેમની ડિજિટલ ઓળખ સુધારી શકે છે. આ અપડેટની પુષ્ટિ ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સુંદર પિચાઈ દ્વારા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક પોસ્ટમાં કરવામાં આવી હતી.
અત્યાર સુધી Gmail યુઝર્સ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે એક વાર ઈ-મેઇલ ID બનાવી લીધા પછી એને બદલી શકાતું નહોતું. જો કોઈને તેમનું યુઝરનેમ પસંદ ન આવે અથવા એ જૂનું થઈ જાય તો તેમણે નવું અકાઉન્ટ બનાવવું પડતું હતું. પછી ઈ-મેઇલ્સ, ફોટો અને ફાઇલો જેવા બધા ડેટાને નવા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડતા હતા જે એક બોજારૂપ અને સમય માગી લેતું કાર્ય હતું. જોકે આ નવા અપડેટ સાથે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. યુઝર્સ હવે કોઈ પણ ડેટા ગુમાવ્યા વિના તેમના હાલના અકાઉન્ટમાં ફેરફાર કરી શકે છે.
ગૂગલે આ સુવિધાનો ઉપયોગ ખૂબ જ સરળ બનાવ્યો છે જેથી દરેક એનો ઉપયોગ કરી શકશે. યુઝર્સે તેમના ગૂગલ અકાઉન્ટ સેટિંગ્સમાં જવાની જરૂર પડશે, જ્યાં તેમને ‘પર્સનલ ઇન્ફો’ વિભાગમાં તેમનું યુઝરનેમ અથવા ઈ-મેઇલ ઍડ્રેસ બદલવાનો વિકલ્પ મળશે. જ્યારે આ સુવિધા તમારા અકાઉન્ટમાં ઉપલબ્ધ થશે ત્યારે તમે તમારી પસંદગીનું નવું યુઝરનેમ પસંદ કરી શકશો. જો એ નામ પહેલાંથી લેવામાં આવ્યું નથી તો તમે એને સરળતાથી સેટ કરી શકશો. એક વાર પુષ્ટિ થઈ ગયા પછી એ નવું યુઝરનેમ તમારું નવું Gmail લૉગ-ઇન બની જશે જેનાથી તમે Gmail, Google ડ્રાઇવ અને ફોટો જેવી બધી Google સર્વિસનો ઉપયોગ કરી શકશો.
હાલમાં આ સુવિધા અમેરિકાના યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે એટલે કે ભારત સહિત અન્ય દેશોના યુઝર્સે થોડી રાહ જોવી પડી શકે છે. ગૂગલે હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે આ સુવિધા વિશ્વભરમાં ક્યારે ઉપલબ્ધ થશે, પરંતુ એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં એ ધીમે-ધીમે બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.