ISના ટેરરિસ્ટોએ એડનના ગવર્નરને બૉમ્બથી ઉડાવ્યા

07 December, 2015 05:49 AM IST  | 

ISના ટેરરિસ્ટોએ એડનના ગવર્નરને બૉમ્બથી ઉડાવ્યા


ઇસ્લામિક સ્ટેટ (IS)ના આતંકવાદીઓએ ગઈ કાલે એક કાર-બૉમ્બ દ્વારા યમનના બીજા નંબરના શહેર એડનના ગવર્નરની હત્યા કરી હતી. ઘણા લાંબા સમયથી વિલંબમાં પડેલી શાંતિની વાતચીત માટે યુનાઇટેડ નેશન્સના પ્રતિનિધિ એક દિવસ પહેલાં જ એડન આવી ગયા હતા. IS દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી મુજબ ગવર્નર જાફર સાદની કાર પર થયેલા હુમલા પાછળ એનો હાથ હતો અને આ હુમલામાં ગવર્નર અને તેમના છ બૉડીગાર્ડ માર્યા ગયા હતા.

યમનની સત્તાવાર સમાચાર-એજન્સીએ જાહેર કરેલા નિવેદનમાં એડનના સિક્યૉરિટી જનરલ મોહમ્મદ મુસાદે ગવર્નર સાદના મૃત્યુને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગવર્નર અને તેમના બૉડીગાર્ડ આ હુમલામાં માર્યા ગયા હતા. ત્યાર બાદ મીડિયામાં એડનના મુખ્ય રસ્તા પર ગવર્નરની સળગતી કાર બતાવવામાં આવી હતી. ગર્વનર સાદ યમનના પ્રમુખ અબેદ્રાબો મન્સૂર હાદીની નજીકની વ્યક્તિ મનાતા હતા.