ચીનના નવા પ્રમુખ કરતાં તેમની ગ્લૅમરસ વાઇફ છે વધારે લોકપ્રિય

16 November, 2012 06:43 AM IST  | 

ચીનના નવા પ્રમુખ કરતાં તેમની ગ્લૅમરસ વાઇફ છે વધારે લોકપ્રિય



ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (સીપીસી)ના નવા જનરલ સેક્રેટરી તરીકે સર્વાનુમતે ૫૯ વર્ષના શી જિનપિંગની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચીનના નવા પ્રમુખ પણ બનશે. આગામી માર્ચમાં તેઓ ચીનના હાલના પ્રમુખ હૂ જિન્તાઓનું સ્થાન લેશે. આ સાથે જિન્તાઓના ૧૦ વર્ષના શાસનનો અંત આવશે. વિશ્વની અગ્રણી આર્થિક મહાસત્તા બની ગયેલા ચીનના સત્તાપરિવર્તન પર દુનિયાભરની નજર હતી. શી જિનપિંગ અત્યારે ચીનના ઉપપ્રમુખ છે. ચીનમાં દર દસ વર્ષે સત્તાપરિવર્તન થાય છે. હાલના વડા પ્રધાન વેન જિયાબાઓનું સ્થાન લી કેચિયાંગ લે એવી શક્યતા છે.

નવા પ્રમુખ બનવા જઈ રહેલા શી જિનપિંગના પિતા શી ઝોંગહન ચીનમાં ક્રાન્તિકારી નાયક તરીકે જાણીતા છે. તેઓ સીપીસીના સ્થાપક માઓ ઝેદોંગના સાથીદાર હતા. જોકે શિનપિંગ તેમના ક્રાન્તિકારી પિતા કરતાં તેમની ગ્લૅમરસ સિંગર અને ઍક્ટ્રેસ પત્ની પેન્ગ લિયુઆનને કારણે વધારે ફેમસ છે. પેન્ગ લિયુઆન ચીનના લોકગીતની અત્યંત લોકપ્રિય ગાયિકા છે. મધમીઠા અવાજ અને સુંદરતાને લીધે પેન્ગ લિયુઆન તેમના પાવરફુલ પતિ કરતાં પણ વધારે જાણીતાં છે. પેન્ગ લિયુઆન ૧૮ વર્ષની ઉંમરે પીપલ્સ લિબરેશન આર્મી નામે ઓળખાતા ચીનના સૈન્યમાં જોડાયાં હતાં. એ પછી તેમણે મેજર-જનરલની રૅન્ક હાંસલ કરી હતી. અત્યારે પણ તેઓ આ રૅન્ક ધરાવે છે. પૉપ્યુલર પત્નીની સરખામણીએ શી જિનપિંગ ચીનમાં અત્યંત ઓછા જાણીતા છે.

કોણ છે ચીનના નવા પ્રમુખ?


શી જિનપિંગ ભલે ચીનના લોકોમાં પત્ની કરતાં ઓછા જાણીતા હોય, પણ સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (સીપીસી)ના તેઓ અત્યંત પાવરફુલ નેતા છે. તેમના પિતા શી ઝોંગહન ક્રાન્તિકારી નાયક તરીકે ચીનના આદરણીય નેતા છે. જિનપિંગ કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમના પિતાને સત્તા પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. એ પછી જિનપિંગે કેટલોક વખત ગુફા જેવા ઘરમાં રહેવું પડ્યું હતું અને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે સીપીસીમાં જોડાયા બાદ તેઓ અત્યંત ઝડપથી સિનિયરપદે પહોંચી ગયા હતા. ગઈ કાલે સીપીસીના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા બાદ આપેલી સ્પીચમાં જિનપિંગે ભ્રષ્ટાચારને દેશ સમક્ષની સૌથી મોટી ચૅલેન્જ ગણાવી હતી.