ચીની પ્રમુખે નવાઝ શરીફને મળવાનું ટાળ્યું

11 June, 2017 06:41 AM IST  | 

ચીની પ્રમુખે નવાઝ શરીફને મળવાનું ટાળ્યું



ચીને એના હંમેશના સહયોગી પાકિસ્તાનને કઝાખસ્તાનની રાજધાની અસ્તાનામાં યોજાયેલી શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠકમાં મોટો ઝટકો આપ્યો હતો અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મળવાનું ટાળ્યું હતું. આ માટે બલૂચિસ્તાનમાં બે ચીની ટીચર્સની હત્યા કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

 નવાઝ શરીફ ગઈ કાલે અસ્તાનાથી પાછા ફર્યા હતા. જોકે અસ્તાનાની યાત્રા દરમ્યાન કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન અને રશિયાના પ્રેસિડન્ટને મળવામાં નવાઝ શરીફ સફળ રહ્યા હતા. શરીફની આ અસ્તાના મુલાકાતમાં આંખે ઊડીને વળગે એવી બાબત એ હતી કે તેઓ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને મળ્યા નહોતા.

ચીનના સરકારી મીડિયાએ પણ શી જિનપિંગની કઝાખસ્તાનના પ્રેસિડન્ટ નૂર સુલતાન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતને જ મહત્વ આપ્યું હતું.

ગયા મહિને બલૂચિસ્તાનના ક્વેટામાંથી બે ચીની શિક્ષકોનું અપહરણ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ ચીનની જનતામાં ભારે રોષ અને શોકની લાગણી છવાઈ ગઈ હતી.