ચીનના લશ્કરમાંથી 3 લાખ જવાનો ઘટાડવામાં આવશે

04 September, 2015 06:39 AM IST  | 

ચીનના લશ્કરમાંથી 3 લાખ જવાનો ઘટાડવામાં આવશે




દુનિયાનું સૌથી મોટું લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ધરાવતો દેશ ચીન એના લશ્કરમાંથી ત્રણ લાખ જવાનો ઘટાડનાર હોવાનું ચીનના પ્રમુખ શી જિનપિંગે જણાવ્યું હતું. એશિયામાં બીજા વિશ્વયુદ્ધને ૭૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી નિમિત્તે બીજિંગના ઐતિહાસિક ટિઆનનમેન સ્ક્વેરમાં લશ્કરી જવાનોની પરેડ દરમ્યાન જિનપિંગે આ જાહેરાત કરી હતી. જવાનોની પરેડ અને હવામાં લડાયક વિમાનોની કવાયત દ્વારા ચીનની લશ્કરી તાકાતનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતાં જિનપિંગે જણાવ્યું હતું કે ‘ચીન ગમે એટલું શક્તિશાળી બને તો પણ અમે વિસ્તાર કે વર્ચસ્વ વધારવાનો અભિગમ નહીં અપનાવીએ. ઇતિહાસમાં ચીને જે સહન કર્યું છે એ અન્ય કોઈ રાષ્ટ્ર ક્યારેય કરી શકવાનું નથી. યુદ્ધ એક એવો આયનો છે, જેમાં જોઈને માણસને શાંતિનું મૂલ્ય સમજાય છે. ચીન હંમેશાં વિશ્વશંતિનું સમર્થક રહ્યું છે. એ ઉપરાંત આખું વિશ્વ વિકાસના માર્ગે આગળ વધે એવું ચીન ઇચ્છે છે.’

બીજા વિશ્વયુદ્ધમાં વિજયની ઉજવણી માટે દર વર્ષે ચીનમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. એનું સીધું પ્રસારણ સરકારી મીડિયામાં કરવામાં આવ્યું હતું. આ વિરાટ આયોજનમાં લશ્કરી તાકાતના પ્રદર્શનની અસર ભારતમાં પણ જોવા મળે એવી શક્યતા છે. આ ઉજવણી દરમ્યાન ચીને રશિયા સિવાયના તમામ પશ્ચિમી દેશોથી અંતર રાખ્યું હતું. પરેડ અને સંબોધન સહિતના આ આયોજનમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ભારત તરફથી રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી. કે. સિંહ ઉપસ્થિત હતા. પરેડમાં સામેલ થવા માટે ભારતીય સૈનિકો મોકલવાની અપીલ ચીને કરી હતી, પરંતુ ભારતે એ અપીલ સ્વીકારી નહોતી.

જાણકારોએ આપેલી માહિતી અનુસાર ચીને સૈનિકોની સંખ્યામાં કરેલા ઘટાડાથી કોઈ ફેર પડવાનો નથી, કારણ કે એણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એનાં હવાઈ દળ અને નૌકાદળમાં ભારે ફેરફારો કરીને બન્ને દળોને ખૂબ મજબૂત બનાવ્યાં છે.

ચીનની લશ્કરી તાકાત કેટલી?


ચીનનું સંરક્ષણ બજેટ લગભગ ૧૨૯ બિલ્યન ડૉલર (આશરે ૭૭૪૦ અબજ રૂપિયા) છે જે દેશના GDPના ૨.૧ ટકા છે. વિશ્વમાં સંરક્ષણ બજેટની સૌથી વધારે રકમ ૫૮૧ બિલ્યન ડૉલર (આશરે ૩૪,૮૬૦ અબજ રૂપિયા) અમેરિકાની છે અને એના પછી બીજા ક્રમે ચીન આવે છે. ચીનના લશ્કરમાં લગભગ ૨૩,૩૩,૦૦૦ જવાનો છે. એ ઉપરાંત ૧૬૬૭ લડાયક વિમાનો, ૬૫૪૦ ટૅન્કો, ૬ પ્રોટોટાઇપ સ્ટીલ્થ ફાઇટર, ૬૯ સબમરીન્સ, એક ઍરક્રાફ્ટ કૅરિયર, ૧૭ ડિસ્ટ્રૉયર અને ૬૬ ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ્સ છે.