વિશ્વની વસ્તી 7 અબજને પાર, ઉત્તરપ્રદેશની નર્ગિસ સાત અબજમી બાળકી ઘોષિત

01 November, 2011 03:31 PM IST  | 

વિશ્વની વસ્તી 7 અબજને પાર, ઉત્તરપ્રદેશની નર્ગિસ સાત અબજમી બાળકી ઘોષિત



ચાઇલ્ડ રાઇટ ગ્રુપ પ્લાન ઇન્ટરનૅશનલ નામના એનજીઓ (નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન)ના મત મુજબ ભારતે સાતમા અબજના એના બાળક તરીકે બેબી નર્ગિસનાં વધામણાં લીધાં હતાં. આ બાળકીનો જન્મ લખનઉના સીમાડે આવેલા દાનૌર ગામના કૉમ્યુનિટી સેન્ટરમાં સવારે ૭.૨૦ વાગ્યે થયો હતો. ચાઇલ્ડ રાઇટ્સ ગ્રુપ પ્લાન ઇન્ડિયાનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભાગ્યશ્રી દેંગલે કહ્યુ હતું કે ‘આ બાળકી ૨૫ વર્ષના ખેડૂત અજય અને ૨૩ વર્ષની વિનીતાને અવતરી હતી. આ એરિયામાં નર્ગિસ સાથે બીજી છ બાળકીઓ પણ જન્મી હતી. આ બધી બાળકીઓને સેલિબ્રિટીએ સ્પૉન્સર કરી છે અને તેઓ તેમના મૂળભૂત અધિકારો અને હેલ્થ વગેરેની તકેદારી લેશે.’

બીજા એક દાવા મુજબ વિશ્વનું સાત અબજમું બેબી ગઈ કાલે ફિલિપીન્સની રાજધાની મનિલામાં જન્મ્યું હતું. તે પણ એક બાળકી જ છે. તેનું વજન ૨.૫ કિલો છે અને તેનું નામ ડૅમિકા મે કૅમેચો છે.

યુએનના અધિકારીએ આ બાળકીની મુલાકાત લઈ તેને સાત અબજમાં સિમ્બોલિક બેબી તરીકેનું સર્ટિફિકેટ આપ્યું હતું.

વિશ્વનું સાત અબજમું બાળક પોતાને ત્યાં જન્મ્યું હોવાનો દાવો રશિયાએ પણ કર્યો છે. રશિયાના પૂર્વમાં પેટ્રપાવલોવ્સ્ક-કામચાત્સ્કી શહેરમાં સાત અબજમું બાળક જન્મ્યું છે. આ બાળકનું નામ ઍલેક્ઝાન્ડર રાખવામાં આવ્યું છે.

આપણે વધુ સશક્ત બન્યા : યુએન

યુનાઇટેડ નેશન્સના મહામંત્રી બાન કી મુને ગઈ કાલે કહ્યું હતું કે ‘લોકો એમ કહે છે કે વસ્તી સાત અબજ પર પહોંચતાં ગીચતા વધી જવા પામી છે, પરંતુ હું માનું છું કે આપણે વધુ સશક્ત બન્યા છીએ. આ શક્તિનો ઉપયોગ આપણે સમાજના લાભ માટે કરી શકીએ છીએ. આ તક બધા માટે ખુશીની છે આથી સૌએ આ તકે એકત્રિત થવું જોઈએ.’

એક નવો પડકાર

વિશ્વની વસ્તી સાત અબજ પર પહોંચી એથી ભારત તથા વિશ્વના અન્ય દેશો માટે ગૌરવની સાથે-સાથે નવો પડકાર પણ ઊભો થયો છે. આરોગ્યપ્રદ જીવનશૈલી, શિક્ષણ, પોષણ અને સમાનતા માટે વિશ્વમાં હજી ઘણું કરવાની જરૂરિયાત છે.

ભારતનો વસ્તીદર ક્યારે ઘટશે?

વિશ્વની ૩૩ ટકા વસ્તી ભારત અને ચીનમાં છે. ચીને વસ્તી પર નિયંત્રણ મેળવવા માટે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ભારતની વસ્તી અત્યારે ૧.૨૧ અબજ છે, જે ૨૦૨૫માં ચીનને આંબી જશે. ચીનનો વસ્તીદર ૨૦૫૦માં ધીમો પડી જશે, જ્યારે ભારતનો વસ્તીદર છેક ૨૦૬૦માં સ્લો થશે.