World Post Day: જાણો આ દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ

09 October, 2021 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૈશ્વિક સ્તરે પાર્સલની ડિલિવરીમાં પોસ્ટ સેવાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પ્રતિકાત્મક તસવીર

યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની સ્થાપના અને લોકોના રોજિંદા જીવનમાં પત્રો સાથે સંદેશાવ્યવહારની ક્રાંતિકારી રીતની રચનાને નિમિત્તે દર વર્ષે 9 ઓક્ટોબરના રોજ વિશ્વ પોસ્ટ દિવસ ઊજવવામાં આવે છે. ઇ-મેઇલ્સના સમય પહેલાં વિશ્વભરમાં પોસ્ટ દ્વારા હાથથી લખેલા પત્રો જ પહોંચાડવામાં આવતા હતા. આજે પણ, વૈશ્વિક સ્તરે પાર્સલની ડિલિવરીમાં પોસ્ટ સેવાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચીવ એન્ટોનિયો ગુટેરેસે આ દિવસે સંદેશ આપ્યો છે કે “વિશ્વ પોસ્ટ દિવસ પર, આપણે આપણા સમાજ અને અર્થવ્યવસ્થામાં ટપાલ કામદારોના અમૂલ્ય યોગદાનને બિરદાવીએ છીએ. વિશાળ પોસ્ટલ નેટવર્ક સાથે લાખો કામદારો સંકળાયેલા છે જે હજારો પોસ્ટ ઓફિસો દ્વારા અબજો સંદેશ પહોંચાડે છે અને આપણા સમાજમાં વણાયેલા છે, જે વિશ્વભરના સમુદાયોને જોડે છે.”

1874માં બર્ન, સ્વિટ્ઝર્લન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની સ્થાપનાની યાદમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 151 દેશોમાં ઊજવવામાં આવે છે. સૌપ્રથમ 1969માં જાપાનના ટોક્યોમાં યોજાયેલા UPU કોંગ્રેસ દરમિયાન ૯ ઑક્ટોબના દિવસને વિશ્વ પોસ્ટ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ભારત પણ 9 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર સુધી ઊજવવામાં આવતા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની શરૂઆતને સ્વીકારે છે.

વિશ્વભરના સભ્ય દેશો આ દિવસનો ઉપયોગ નવી પોસ્ટલ પહેલ શરૂ કરવા અને રોજિંદા જીવનમાં ટપાલ સેવાઓના મહત્ત્વ અને દેશોના સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે વિશેષ પ્રદર્શનો યોજવા માટે કરે છે.

આ વર્ષના વિશ્વ પોસ્ટ દિવસની થીમ ડિજિટલ ક્રાંતિના બદલાતા સમયમાં પોસ્ટ સિસ્ટમોની દુર્દશાને પ્રકાશિત કરવા અને તે કેવી રીતે નવી વાસ્તવિકતાઓ સાથે અનુકૂલન કરી રહી છે અને ડિજિટલાઇઝેશન, ઇ-કોમર્સ અને નાણાકીય સેવાઓ પર સ્થાપિત નવી ભૂમિકાઓ સ્વીકારી રહી છે, દર્શાવવા માટે “ઈનોવેટ ટુ રિકવર” રાખવામાં આવી છે.

international news united nations