WHOના નિષ્ણાતો કોરોનાનું મૂળ શોધવા સીધા ચીનના વુહાનમાં પહોંચશે

13 January, 2021 09:09 AM IST  |  Beijing | Agency

WHOના નિષ્ણાતો કોરોનાનું મૂળ શોધવા સીધા ચીનના વુહાનમાં પહોંચશે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના નિષ્ણાતોની ૧૦ સભ્યોની ટીમને કોવિડ-19ના મૂળની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ સિંગાપોરથી હવાઈ માર્ગે સીધી ચીનના વુહાન શહેરમાં પહોંચશે, જ્યાં ડિસેમ્બર, ૨૦૧૯માં કોરોના વાઇરસે પ્રથમ વખત દેખા દીધી હતી, જેને પગલે બીજંગ સહિતનાં સંખ્યાબંધ શહેરોમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

વર્તમાન પ્લાન અનુસાર, નિષ્ણાતોની ટીમ ૧૪ જાન્યુઆરીએ સિંગાપોરથી વુહાન પહોંચશે, એમ ચાઇનીઝ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝ્હાઓ લિજીઆને જણાવ્યું હતું.

જોકે, ટીમના સભ્યોએ ક્વૉરન્ટીન થવું પડશે કે કેમ, તેમની યાત્રાનો કાર્યક્રમ શું છે અને ટીમ કેટલો સમય વુહાન રોકાશે, એ અંગે તેમની પાસે કોઈ જાણકારી ન હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વિશ્વભરને પોતાના ભરડામાં લઈને લાખો લોકોનો ભોગ લેનારો કોરોના વાઇરસ વુહાનમાંથી ઉત્પન્ન થયો હોવા અંગેના વ્યાપક મંતવ્યો સામે સવાલ ઉઠાવનારા ચીને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ટીમને વુહાનની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં વિલંબ કર્યો હતો, જેને પગલે આ મુલાકાત વિવાદાસ્પદ બની રહી છે.

world health organization coronavirus covid19 beijing international news