વર્લ્ડ બેસ્ટ ફાધર

20 August, 2012 05:30 AM IST  | 

વર્લ્ડ બેસ્ટ ફાધર

અમેરિકાના મિશિગન શહેરમાં રહેતા રીક વૉન બિક નામના પિતાની આજકાલ ભારે ચર્ચા છે. રીકની ૧૩ વર્ષની દીકરી મેડિસન (મેડી) સેરિબ્રલ પૉલ્ઝી નામની બીમારીથી પીડાય છે. મગજની આ બીમારીને કારણે મેડી તદ્દન પથારીવશ છે અને તે સાવ ભાંગ્યુંતૂટ્યું બોલી શકે છે. જોકે પથારીવશ હોવા છતાં તેને બહાર હરવુંફરવું ઘણું ગમે છે. પિતા રીક પોતાની લાડકી દીકરીની દરેક ઇચ્છા પૂરી કરે છે. એક દિવસ તેણે ટ્રાઇથ્લોન રેસમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ રેસમાં સ્વિમિંગ, સાઇક્લિંગ અને રનિંગ ત્રણે એક પછી એક કરવાનું હોય છે. પુત્રીની ઇચ્છા પૂરી કરવા મક્કમ રીકે તેને સાથે રાખીને ટ્રાઇથ્લોનમાં ભાગ લીધો હતો. અત્યંત અઘરી માનવામાં આવતી આ રેસ દરમ્યાન મેડીને સાથે રાખીને જ રીકે ૦.૩ માઇલ સ્વિમિંગ, ૧૨.૪ માઇલ સાઇક્લિંગ તથા ૩.૧ માઇલ રનિંગ કર્યું હતું. જન્મના માત્ર બે જ મહિનામાં મેડિસન સેરિબ્રલ પૉલ્ઝીથી પીડાય છે એવું નિદાન થયું હતું. એ પછી દીકરીને જીવનનો બધો આનંદ આપવા માટે પિતા રીકે સ્મોકિંગ છોડીને જીવનશૈલી સુધારી હતી. ટ્રાઇથ્લોનમાં ભાગ લેવા માટે રીકે ભારે મહેનત કરી હતી. રીકને અમેરિકાભરમાંથી સર્પોટ મળી રહ્યો છે. ટ્રાઇથ્લોન દરમ્યાન મોટી સંખ્યામાં લોકો તેને અને મેડીને સર્પોટ કરવા માટે આવ્યા હતા. આ પહેલી વાર નથી, અગાઉ પણ રીકે દીકરીને સાથે રાખીને અનેક આઉટડોર રેસમાં ભાગ લીધો હતો.