થોડાં વર્ષોમાં અંધારામાં પણ જોઈ શકશે માણસ

13 November, 2012 06:24 PM IST  | 

થોડાં વર્ષોમાં અંધારામાં પણ જોઈ શકશે માણસ



વિજ્ઞાનીઓનું કહેવું છે કે આવનારાં થોડાં વરસોમાં એવાં ઉપકરણો બજારમાં મળતાં થઈ જશે જેની મદદથી માણસ અંધારામાં પણ જોઈ શકશે. એટલું જ નહીં, માનવી પોતાના જીવનની દરેક પળનું કૅમેરામાં રેકૉર્ડિંગ પણ કરી શકશે એટલે કે તેને રોજેરોજ ડાયરી લખવાની જરૂર પડશે નહીં. બ્રિટનની ધ ઍકૅડેમી ઑફ સાયન્સ, ધ બ્રિટિશ ઍકેડેમી, ધ રૉયલ ઍકેડેમી ઑફ એન્જિનિયરિંગ અને ધ રૉયલ સોસાયટીના વિજ્ઞાનીઓ તૈયાર કરેલા એક સંયુક્ત રિપોર્ટમાં આ આગાહી કરવામાં આવી છે.

આ સંસ્થાના વિજ્ઞાનીઓનું કહેવું છે કે ટેક્નિકલ ક્ષમતાઓમાં થઈ રહેલા સુધારાને કારણે આવનારાં વર્ષોમાં ક્રાન્તિકારી પરિવર્તન આવશે. જોકે તેને કારણે નૈતિકતા સહિતના અનેક ગંભીર સવાલો પણ પેદા થશે. આ ચારે સંસ્થાના સભ્યોની બનેલી સ્ટૅન્ડિંગ કમિટીના વડા પ્રોફેસર જેનીવરા રિચર્ડસનનું કહેવું છે કે અનેક પ્રકારની ટેક્નૉલૉજીનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં કેટલીક ટેક્નૉલૉજીનો તો વપરાશ પણ ચાલુ થઈ ગયો છે. આ સ્થિતિમાં આવનારા સમયમાં કામ કરવાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર થશે. ટેક્નૉલૉજીમાં થઈ રહેલાં ક્રાંતિકારી પરિવર્તનોના અનેક ફાયદા પણ છે તો એના અનેક ગેરફાયદા પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એવી પણ ટેક્નૉલૉજી આવી રહી છે કે જેને કારણે માણસ વૃદ્ધાવસ્થામાં પણ કામ કરી શકશે.