આ વર્ષે જન્મેલાં ૩૩ ટકા બાળકો સો વર્ષ જીવશે

13 November, 2012 03:30 AM IST  | 

આ વર્ષે જન્મેલાં ૩૩ ટકા બાળકો સો વર્ષ જીવશે



નવજાત શિશુને તેના વડીલો સો વર્ષ જીવો એવા આશીર્વાદ આપતા હોય છે, પણ સંશોધકોનું કહેવું છે કે આ વર્ષે જન્મતાં બાળકોમાંથી મોટા ભાગનાં સો વર્ષ સુધી જીવશે તેનું કારણ માત્ર વડીલોના આશીર્વાદ નહીં, પણ જીવનધોરણમાં થયેલો સુધારો અને શ્રેષ્ઠ મેડિસિન છે. હમણાં જ થયેલા સંશોધનમાં એવું તારણ આપવામાં આવ્યું છે કે જીવનના સ્તરમાં થયેલો સુધારો અને નવી દવાઓની શોધને કારણે હવે અત્યારની પેઢીનાં બાળકોમાંથી એક તૃતીયાંશ બાળકો આયુષ્યની સેન્ચુરી ફટકારશે. 

સ્કૉટલૅન્ડની એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ ૧૦૦૦થી વધારે પેરન્ટ્સના સર્વે તથા નૅશનલ સ્ટૅટિસ્ટિકના આંકડાઓને આધારે કરેલા આ સંશોધનનાં તારણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારની પેઢીનાં બાળકોની માત્ર આવરદા જ લાંબી નહીં, પણ તેઓ ૭૦ વર્ષ સુધી કામ કરતાં રહેશે. રિપોર્ટમાં એવું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે કે આ બાળકોનું જીવન તેમનાં માતા-પિતા કે દાદા-દાદી કરતાં સાવ અલગ હશે. આ બાળકોનાં માતા-પિતાનો જન્મ ૧૯૮૩ની આસપાસ તથા દાદા-દાદીનો જન્મ ૧૯૫૭ની આસપાસ થયો હોઈ શકે છે.

સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નવી પેઢીનાં બાળકો તેમનાં માતા-પિતા કરતાં આઠ વર્ષ મોડાં લગ્ન કરશે તથા તેમની ઉંમર ૩૧ વર્ષની આસપાસ હશે ત્યારે તેઓ સંતાન પેદા કરશે. સંતાન પેદા કરવાની બાબતમાં આ બાળકો તેમનાં માતા-પિતા કરતાં બે વર્ષ અને દાદા-દાદી કરતાં પાંચ વર્ષ આગળ હશે. અત્યંત મોંઘવારીને કારણે નવી પેઢી માત્ર એક જ બાળક પેદા કરશે અને ૨૦ વર્ષની ઉંમર સુધી તેઓ ભારે આર્થિક દબાણનો સામનો કરશે.