મંકીપોક્સના વધતાં કેસ વચ્ચે WHOનું નિવેદન, કહ્યું વધુ સતર્ક રહો

24 July, 2022 08:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેયેસસે શનિવારે કહ્યું હતું કે “70થી વધુ દેશોમાં મંકીપોક્સનો ફેલાવો એ ‘અસાધારણ’ પરિસ્થિતિ છે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્ર માટેના પ્રાદેશિક નિર્દેશકે રવિવારે સભ્ય દેશોને મંકીપોક્સ સામે લડવા માટે તકેદારી વધારવા અને જાહેર આરોગ્યના પગલાંને મજબૂત કરવા હાકલ કરી હતી. પ્રાદેશિક નિયામક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહે જણાવ્યું હતું કે “મંકીપોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આવા ઘણા દેશોમાં, જ્યાં તેના કેસ અગાઉ નોંધાયા ન હતા, જે ખૂબ જ ચિંતાનું કારણ છે.

તેમણે કહ્યું કે સંક્રમણના મોટાભાગના કેસ પુરુષો સાથે સેક્સ કરનારા પુરુષોમાં જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, તે વસ્તી પર કેન્દ્રિત પ્રયત્નો કરીને રોગને વધુ ફેલાતો અટકાવી શકાય છે, જે ચેપનું વધુ જોખમ ધરાવે છે. વૈશ્વિક સ્તરે, 75 દેશોમાં મંકીપોક્સના 16,000થી વધુ કેસ નોંધાયા છે. WHO દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં, મંકીપોક્સના ચાર કેસ નોંધાયા છે, ત્રણ ભારતમાં અને એક થાઈલેન્ડમાં. પ્રાદેશિક નિર્દેશકે કહ્યું કે મહત્વની બાબત એ છે કે “આપણા પ્રયાસો અને પગલાં સંવેદનશીલ અને ભેદભાવ રહિત હોવા જોઈએ.”

WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રેયેસસે શનિવારે કહ્યું હતું કે “70થી વધુ દેશોમાં મંકીપોક્સનો ફેલાવો એ ‘અસાધારણ’ પરિસ્થિતિ છે અને તે હવે વૈશ્વિક કટોકટી છે.” ડૉ. સિંહે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે અને પ્રદેશમાં મંકીપોક્સનું જોખમ સાધારણ હોવા છતાં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેના ફેલાવાનું જોખમ વાસ્તવિક છે.”

તેમણે કહ્યું કે “આ સિવાય હજુ પણ વાયરસ વિશે ઘણી બાબતો જાણી શકાઈ નથી. મંકીપોક્સના વધુ ફેલાવાને રોકવા માટે આપણે સતર્ક અને ઝડપથી કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. મંકીપોક્સ ચેપગ્રસ્ત પ્રાણી સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ સંપર્ક દ્વારા મનુષ્યમાં ફેલાય છે. આ ચેપ ચેપગ્રસ્ત ત્વચાના સંપર્ક દ્વારા અને શ્વાસ બહાર કાઢતી વખતે નાક અથવા મોંમાંથી નીકળતા નાના ટીપાં દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે.”

international news world health organization