ડબ્લ્યુએચઓએ પાડ્યું ઓમિક્રોન નામ: શું એનાં કોઈ અલગ લક્ષણો છે?

28 November, 2021 12:22 PM IST  |  Geneva | Agency

ઑક્સફર્ડ યુનિવર્સિ​ટીના સ્ટ્રક્ચરલ બાયોલૉજિસ્ટ જેમ્સ નેઇસ્મિથે જણાવ્યું હતું કે આ વેરિઅન્ટમાં મ્યુટેશન્સ પરથી ખ્યાલ આવે છે કે એ કદાચ વધુ ઝડપથી ફેલાય છે.

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવનારા કોરોનાના નવા વેરિઅન્ટનું નામ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (ડબ્લ્યુએચઓ) ઓમિક્રોન રાખ્યું છે અને સાથે જ એને ચિંતાની બાબત ગણાવી છે. આ વેરિઅન્ટમાં મ્યુટેશનનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને સાથે જ એના લીધે ફરીથી ઇન્ફેક્શન થવાનું જોખમ પણ વધી ગયું છે. 
ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે ‘સાઉથ આફ્રિકાના લગભગ તમામ પ્રોવિન્સિસમાં આ વેરિઅન્ટના કેસની સંખ્યા વધી હોવાનું જણાય છે. આ વેરિઅન્ટનું શરૂઆતમાં નામ બી.૧.૧.૫૨૯ રાખવામાં આવ્યું હતું.’ ડબ્લ્યુએચઓનું જણાવવું છે કે આ નવા વેરિઅન્ટની અસરને સમજતાં થોડાં અઠવાડિયાં લાગશે, કેમ કે સાયન્ટિસ્ટ્સ એ કેટલો ચેપી છે એ નક્કી કરવા માટે તપાસ કરી રહ્યા છે. 
ઑક્સફર્ડ યુનિવર્સિ​ટીના સ્ટ્રક્ચરલ બાયોલૉજિસ્ટ જેમ્સ નેઇસ્મિથે જણાવ્યું હતું કે આ વેરિઅન્ટમાં મ્યુટેશન્સ પરથી ખ્યાલ આવે છે કે એ કદાચ વધુ ઝડપથી ફેલાય છે.
ફ્લાઇટ્સ પર બૅન મુકાયો
યુરોપના અનેક દેશોએ આફ્રિકન દેશો સાથેના ઍર-ટ્રાવેલ પર બૅન મૂક્યો છે જેના પછી હવે અમેરિકન અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા, બોટ્સવાના, ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો, ઇસ્વટિની, મોઝમબિક્યૂ અને મલાવી માટેની કે ત્યાંથી આવતી ફ્લાઇટ્સને બ્લૉક કરાશે. બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયાએ પણ એ જ રીતે ટ્રાવેલ પર રિસ્ટ્ર​ક્શન્સ મૂક્યાં છે. 
ક્યાં કેસીસ આવ્યા?
સાઉથ આફ્રિકાએ સૌપ્રથમ ૨૪ નવેમ્બરે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનને એના વિશે જણાવ્યું હતું. એ પછી બોટ્સવાના, બેલ્જિયમ, હૉન્ગ કૉન્ગ અને ઇઝરાયલમાં પણ એના કેસીસ આવ્યા છે. 
આ વેરિઅન્ટ શા માટે ડેન્જરસ છે? 
અત્યાર સુધીના કેસીસ પરથી જાણવા મળ્યું છે કે અન્ય વેરિઅન્ટ્સની સરખામણીમાં આ વેરિઅન્ટના લીધે ફરીથી ઇન્ફેક્શનનું જોખમ વધી ગયું છે. આફ્રિકામાં બોટ્સવાનામાંથી લેવામાં આવેલા એક સૅમ્પલમાં ૩૦થી વધુ ફેરફારો (મ્યુટેશન્સ) જોઈને રિસર્ચ ચોંકી ગયા હતા. જોકે, આ વેરિઅન્ટથી આરોગ્ય પર ગંભીર અસરો થાય છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. 
શું આ વેરિઅન્ટનાં લક્ષણો અલગ છે?
સાઉથ આફ્રિકાની ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કમ્યુનિકેબલ ડિસીઝે જણાવ્યું છે કે અત્યારે આ વેરિઅન્ટના પેશન્ટ્સમાં કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળ્યાં નથી. ડેલ્ટા વેરિઅન્ટની જેમ આ વેરિઅન્ટના કેટલાક પેશન્ટ્સમાં કોઈ જ લક્ષણો જોવા મળ્યાં નથી. 
અત્યારની ટેસ્ટથી જ ડિટેક્ટ થશે?
ડબ્લ્યુએચઓ અનુસાર અત્યારના સાર્સ-સીઓવી-૨ પીસીઆર ડાયગ્નોસ્ટિક્સ આ વેરિઅન્ટને ડિટેક્ટ કરી શકશે.

international news world health organization geneva