02 March, 2026 11:22 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
અહમદ વાહિદી
ઇઝરાયલ અને અમેરિકાના જૉઇન્ટ ઑપરેશનમાં કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈની સાથે ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના
કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુરનું પણ મૃત્યુ થતાં ઈરાને તેમના સ્થાને અહમદ વાહિદીની નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિમણૂક કરી છે. ખામેનેઈએ અગાઉ ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બરે તેમને ડેપ્યુટી કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા.
અહમદ વાહિદી કુદ્સ ફોર્સ (૧૯૮૮-૧૯૯૮)ના પ્રથમ કમાન્ડર હતા જે ઈરાનની બહાર લશ્કરી અને ગુપ્તચર કામગીરી માટે જવાબદાર IRGCની શાખા હતી. તેમણે ૨૦૦૯થી ૨૦૧૩ સુધી સંરક્ષણપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. ઇબ્રાહિમ રાયસીના પ્રેસિડન્ટ હતા ત્યારે અહમદ વાહિદીએ ૨૦૨૧થી ૨૦૨૪ સુધી ગૃહપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. તેઓ એક્સપેડિએન્સી ડિસર્નમેન્ટ કાઉન્સિલના સભ્ય અને સુપ્રીમ નૅશનલ ડિફેન્સ યુનિવર્સિટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
અહમદ વાહિદીનો જન્મ ૧૯૫૮ની ૨૭ જૂને ઈરાનના શિરાઝમાં થયો હતો. તેમણે ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી, ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી અને વ્યૂહાત્મક અભ્યાસમાં PhDની ડિગ્રી મેળવી છે. તેમનું જન્મનું નામ અહમદ શાહચેરાગી હતું. અહમદ વાહિદીને ઈરાનની લશ્કરી વ્યૂહરચનાના માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. એમાં પણ વિદેશી કામગીરી અને સંરક્ષણપ્રણાલી વિકાસનાં ક્ષેત્રોમાં તેમની સારી હથોટી છે.
૧૯૯૪માં આર્જેન્ટિનાના બ્યુનસ આયરસમાં AMIA યહૂદી સેન્ટર પર થયેલા બૉમ્બવિસ્ફોટમાં ૮૫ લોકોનાં મોત થયાં હતાં. એમાં કથિત સંડોવણી બદલ અહમદ વાહિદી ઇન્ટરપોલની રેડ નોટિસ યાદીમાં છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથેના સંબંધો અને ૨૦૨૨ના વિરોધપ્રદર્શન દરમ્યાન માનવાધિકાર ઉલ્લંઘનમાં તેમની ભૂમિકા બદલ અહમદ વાહિદી પર અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.