10 April, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આખરે વૉટ્સઍપે જેની બહુ રાહ જોવાઈ રહી હતી એ યુઝરનેમ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચર યુઝરને પોતાનો ફોન-નંબર શૅર કર્યા વિના લોકો સાથે જોડી શકશે. એ માટે તમારે માત્ર પોતાના પ્રોફાઇલ સેટિંગમાં એક અનોખું યુઝરનેમ પસંદ કરવું પડશે. યુઝરનેમ આવી જવાને કારણે હવે તમારે કોઈને ફોન-નંબર ન આપવો હોય તો પણ ચાલશે. ટેક્નૉલૉજી સાઇટ WABetainfoના એક રિપોર્ટ મુજબ આ અપડેટ ધીમે-ધીમે લાગુ કરવામાં આવશે.
લગભગ ત્રણથી ૩૫ અક્ષરો સુધીનું યુઝરનેમ રાખી શકાશે. એમાં આલ્ફાબેટના નાના-મોટા અક્ષરો, પૂર્ણવિરામ કે અન્ડરસ્કોર જેવાં ચિહ્નોનો ઉપયોગ કરી શકાશે.
યુઝરનેમ કોઈ વેબસાઇટના ડોમેન જેવું ન લાગવું જોઈએ. વધુ સુરક્ષા માટે તમે વૈકલ્પિક ૪ અંકોની યુઝરનેમ કી પણ જોડી શકો છો, જેથી માત્ર એ જ લોકો તમને મેસેજ મોકલી શકે જેને યુઝરનેમ અને કી બન્ને ખબર હોય.
તમારા મોબાઇલમાં આ ફીચર આવ્યું કે નહીં?
તમારા મોબાઇલના વૉટ્સઍપમાં આ ફીચર રોલઆઉટ થયું છે કે નહીં એ તપાસવા માટે તમે પ્રોફાઇલ સેટિંગમાં જોઈ શકાશે. જો તમે એ સુવિધા માટે પાત્ર હશો તો તમને યુઝરનેમ બનાવવા માટે એક અલગ વિકલ્પ દેખાશે. તમે ઇન્સ્ટાગ્રામના યુઝરનેમને જ વૉટ્સઍપ પર પણ વાપરી શકશો, પરંતુ એ કોઈ બીજું નહીં વાપરી શકે. આવું બેવડું યુઝરનેમ સેટ કરતાં પહેલાં અકાઉન્ટ સેન્ટરમાં વ્યક્તિએ એ સાબિત કરવાનું રહેશે કે તે જ ઇન્ટાગ્રામ યુઝરનેમની અસલી માલિક છે.