અમેરિકા આકરા પાણીએ : ચીનની 33 કંપનીઓને બ્લૅકલિસ્ટ કરી

24 May, 2020 01:52 PM IST  |  Washington | Agencies

અમેરિકા આકરા પાણીએ : ચીનની 33 કંપનીઓને બ્લૅકલિસ્ટ કરી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસને લઈને સતત ચીન પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ચીની સ્ટૉક માર્કેટમાંથી અબજો ડૉલર અમેરિકન પેન્શન ફંડ પરત લેવાની જાહેરાત બાદ અમેરિકાએ ચીનની ૩૩ કંપનીઓને બ્લૅકલિસ્ટ કરી છે. અમેરિકા એવી કંપની અને સંસ્થાઓને બ્લૅકલિસ્ટ કરી રહી છે જે કથિત રીતે ચીનના સૈન્ય સાથે જોડાયેલી છે. ટ્રમ્પ સતત આરોપ લગાવી રહ્યા છે કે કોરોના વાઇરસ ચીનની વુહાન લૅબમાં તૈયાર થયો હતો અને તેને જાણી જોઈને દુનિયામાં ફેલાવવામાં આવ્યો હતો.

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સાત કંપની અને બે સંસ્થાને બ્લૅકલિસ્ટ કરી દેવામાં આવી છે. આ કંપનીઓ ઉઇગર અને અન્ય લોકોના માનવાધિકારના હનનના ચીનના અભિયાન સાથે જોડાયેલી હતી. આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને કારણ વગર કસ્ટડીમાં લેવામાં આવે છે અને તેમની પાસે મજૂરી કરાવવામાં આવે છે અને તેમના પર નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત બે ડઝન અન્ય કંપની, સંસ્થાઓ અને વેપાર સંગઠનોને ચીનની કંપનીને સામાન પહોંચાડવાને કારણે બ્લૅકલિસ્ટમાં નાખવામાં આવી છે.

બ્લૅકલિસ્ટ કરવામાં આવેલી કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેશિયલ રેકગ્નાઇઝેશન જેવા ટેક્નાગલૉજીના ક્ષેત્રમાં કામ કરે છે. નોંધનીય છે કે અમેરિકાની જ મોટી કંપની જેમાં ઇન્ટેલ કોર્પ અને એનવીડિયા કોર્પ સામેલ છે જેમણે તેમાં મોટું રોકાણ કર્યું હતું. બ્લૅકલિસ્ટ કરવામાં આવેલી કંપનીમાં ચીનની નેટપોસાનું નામ સામેલ છે.

ટ્રમ્પ તરફથી ફરી એક વખત કહેવામાં આવ્યું છે કે કોરોના ચીનમાંથી જ આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા આ વાત ખૂબ ગંભીરતાથી લેશે. ગુરુવારે ટ્રમ્પે મિશિગન ખાતે આફ્રિકી અમેરિકન નેતાઓ સાથે એક બેઠક દરમ્યાન જણાવ્યું હતું કે કોરોના વાઇરસ ચીનમાંથી આવ્યો છે. અમે આ વાતથી ખુશ નથી.

washington international news coronavirus covid19 lockdown united states of america