૧૨૭ દિવસની સ્પેસ-સફર બાદ પૃથ્વી પર પાછી ફરી સુનીતા વિલિયમ્સ

20 November, 2012 03:25 AM IST  | 

૧૨૭ દિવસની સ્પેસ-સફર બાદ પૃથ્વી પર પાછી ફરી સુનીતા વિલિયમ્સ



અવકાશમાં સૌથી લાંબો વખત ગાળનાર મહિલાનો રેકૉર્ડ ધરાવતી ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ગઈ કાલે ઉત્તર કઝાખસ્તાનના અર્કાલિક નામના શહેરની પાસે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. સુનીતાએ કુલ ૧૨૭ દિવસ સ્પેસમાં ગાળ્યાં બાદ અન્ય બે અવકાશયાત્રીઓ સાથે સોયુઝ નામની કૅપ્સૂલમાં ધરતી પર ઉતરાણ કર્યું હતું. સુનીતાએ એક્સપેડિશન-૩૩ નામના મિશન હેઠળ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં ચાર મહિના જેટલો લાંબો સમય ગાળ્યો હતો. ૪૭ વર્ષની સુનીતાએ વહેલી પરોઢે જપાની અવકાશયાત્રી અકી હોશિદે તથા રશિયન અવકાશયાત્રી યુરી મેલેનચેન્કો સાથે લૅન્ડ કર્યું હતું.

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાના જણાવ્યા પ્રમાણે ઉતરાણ બાદ સુનીતા તથા તેના સાથીદારોની તબિયત સારી હતી. લૅન્ડિંગ બાદ તેમને મેડિકલ ચેક-અપ માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સ્પેસ સફરમાં સુનીતાએ ૫૦ કલાકથી વધુ સમયની સાત સ્પેસવૉક કરી હતી.

સુનીતા ગત ૧૫ જુલાઈએ સ્પેસ સફર શરૂ કરી હતી. આ સાથે અત્યાર સુધીમાં સુનીતા વિલિયમ્સે કુલ ૩૨૨ દિવસ અવકાશમાં વિતાવ્યા છે. અગાઉ સુનીતા ૨૦૦૬ની નવમી ડિસેમ્બરથી ૨૦૦૭ની ૨૨ જુલાઈ સુધી સ્પેસમાં રહી હતી. આ સાથે તે સ્પેસમાં સૌથી વધુ દિવસો ગાળનાર બીજી મહિલા છે. નાસાની પેગી વાઇટસન નામની અવકાશયાત્રીએ બે સ્પેસ ફ્લાઇટમાં કુલ ૩૭૭ દિવસ સ્પેસમાં ગાળ્યાં છે.