આંખે પાટા બાંધી ખેલ્યો મોતનો ખેલ

04 November, 2014 05:31 AM IST  | 

આંખે પાટા બાંધી ખેલ્યો મોતનો ખેલ






અમેરિકાના ૩૫ વર્ષના જાંબાઝે રવિવારે રાતે અમેરિકાના શિકાગો શહેરના લોકોને જબરદસ્ત દિલધડક સ્ટન્ટની ભેટ આપી હતી. પહેલાં તો નિકે શિકાગો નદીની ઉપર ૫૦૦ ફૂટ ઊંચે બાંધેલા દોરડા પર ૧૯ ડિગ્રીના ઍન્ગલ પર ઊંચે ચડવું પડે એ રીતે બાંધેલા દોરડાને ચાલીને પાર કર્યું હતું. આટલી હાઇટ પર કોઈ જ સેફ્ટી હાર્નેસ વિના દોરડા પર ઊંચે ચડવાનું ડેરિંગબાજ કામ તેણે છ મિનિટ બાવન સેકન્ડમાં પૂરું કર્યું હતું. આ સાથે તેણે સ્ટીપ દોરડા પર ચડાણ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. એ પછી તરત જ નિકે બીજો એથીયે વધુ ખતરનાક સ્ટન્ટ પ્લાન કર્યો હતો. તેણે શિકાગો નદી પાસે આવેલા મરીના સિટી ટાવર્સની વચ્ચે બાધેલા દોરડા પર આંખે પાટા બાંધીને ચાલવાનું સાહસ કર્યું હતું.

ઈસ્ટ અને વેસ્ટ મરીના સિટી ટાવર્સ વચ્ચેના પચાસમા માળે બાંધેલા દોરડા પર પચાસ ફૂટનું અંતર પાર કરવા તે જ્યારે દોરડા પર આવ્યો ત્યારે પણ તેના હાથમાં માત્ર બૅલૅન્સ માટેનો બામ્બુ હતો. તેણે કોઈ જ સેફ્ટી-રોપ બાંધ્યો નહોતો. આ સ્ટન્ટ ડિસ્કવરી ચૅનલ પર લાઇવ દેખાડાઈ રહ્યો હતો. ડિસ્કવરી ચૅનલનું કવરેજ દસ સેકન્ડ મોડું થતું હતું જેથી નિક સાથે કોઈ અકસ્માત થાય અને તે નીચે પડી જાય તો એ ઘટનાનું પ્રસારણ રોકી શકાય. જોકે નવાઈની વાત એ છે કે જ્યારથી નિકે આ સ્ટન્ટ કરવાની જાહેરાત કરી હતી ત્યારથી આ સ્ટન્ટમાં તે બચશે નહીં એવી વાતો ઊડવા લાગી હતી. ૧૯૭૮ની સાલમાં નિકના દાદા કાર્લ પણ આવી જ રીતે દોરડા પર ચાલવાના સ્ટન્ટ દરમ્યાન પડીને અવસાન પામ્યા હતા. નિકની સાત પેઢી આ રીતે દોરડા પર ચાલવાનું મહારત ધરાવે છે.

૫૦મા માળે આંખે પાટા બાંધીને ચાલવાનો સ્ટન્ટ ચાલી રહ્યો હતો ત્યારે જ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેના મૃત્યુના સમાચાર વહેતા થઈ ગયા હતા. ડિસ્કવરી ચૅનલને પણ આ સ્ટન્ટ દરમ્યાન ૨,૦૦,૦૦૦થી વધુ ટ્વીટ્સ મળી હતી. નિકના વિકિપીડિયામાં પણ તેના મૃત્યુને કન્ફર્મ કરી દેવાની ભૂલ થઈ ગઈ હતી. નિકે આ બે સ્ટન્ટ અને વિક્રમો પણ દાદા કાર્લને અર્પણ કર્યા હતા.