05 September, 2025 08:44 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા પર આકરા પ્રહાર કર્યા હતા. ચીનમાં SCO સમિટ પછી પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિની ટૅરિફ પૉલિસી પર નિશાન સાધીને કહ્યું હતું કે ‘નવો સંસ્થાનવાદી યુગ શરૂ કરવા માગતા લોકો ભારત અને ચીન જેવા શક્તિશાળી દેશો સાથે આ રીતે વાત કરી શકે નહીં. આ દેશો સંઘર્ષભર્યા ઇતિહાસમાંથી પસાર થયેલા છે એનો અર્થ એ નથી કે તેઓ કમજોર છે.’
શક્તિશાળી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત અને ચીન જેવા દેશોની લોકવસ્તી દોઢ અબજ જેટલી છે એવું જણાવીને પુતિને ઉમેર્યું હતું કે ‘આ શક્તિશાળી દેશો પાસે એમના પોતાના સ્થાનિક નીતિનિયમો છે અને એમનું પોતાનું રાજનૈતિક તંત્ર છે. આવા દેશોને જ્યારે કોઈ એમ કહે કે તમને સજા આપીશું ત્યારે એવું બોલનારાએ વિચારવું જોઈએ કે તેઓ જે દેશોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે તેઓ પણ કમજોર નથી. આ દેશોનો ઇતિહાસ સંસ્થાનવાદ સાથે જોડાયેલો છે અને સતત એમની સંપ્રભુતા પર આક્રમણ થતું રહ્યું છે. આવા દેશો સાથે તમે આવી રીતે વાત ન કરી શકો.’
કેટલાક લોકો નવો સંસ્થાનવાદી યુગ શરૂ કરવા માગે છે, પણ એ યુગ પૂરો થઈ ગયો છે એવું કહીને પુતિને જણાવ્યું હતું કે ‘તેમણે સમજી જવું પડશે કે ભાગીદાર સાથે વાત કરતી વખતે કેવી શૈલીનો ઉપયોગ કરવાનો હોય. આવી ધાકધમકીની શૈલીનો ઉપયોગ થઈ શકે નહીં.’