વીરભદ્ર સિંહે પત્રકારને ખખડાવી કૅમેરા તોડવાની ધમકી આપી

25 October, 2012 05:32 AM IST  | 

વીરભદ્ર સિંહે પત્રકારને ખખડાવી કૅમેરા તોડવાની ધમકી આપી



હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના કૉન્ગ્રેસના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહે ચાલુ પ્રેસ-કૉન્ફરન્સમાં પિત્તો ગુમાવી એક પત્રકારને ધમકાવી નાખ્યો હતો તથા તેનો કૅમેરો તોડવાની ધમકી આપી દીધી હતી. આ પત્રકારનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે વીરભદ્ર સિંહ સામે હાલમાં જ થયેલા ભ્રષ્ટાચારના આરોપ વિશે સવાલ પૂછ્યો હતો. કૉન્ગ્રેસે બાદમાં વીરભદ્ર સિંહના વર્તનને કમનસીબ ગણાવી માફી માગી હતી.

આ ઘટના શિમલામાં મંગળવારે સાંજે બની હતી. પત્રકારો સાથેની મુલાકાત દરમ્યાન પત્રકારે બીજેપી દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો બાબતે વીરભદ્ર સિંહની પ્રતિક્રિયા માગી હતી. ગુસ્સે થયેલા સિંહે બાદમાં આ પત્રકારને ‘તમારે બીજું કોઈ કામ નથી?’ એમ કહીને ધમકાવ્યો હતો એટલું જ નહીં, તેમણે પત્રકારોનો કૅમેરો તોડવાની પણ ધમકી આપી હતી.

આ ઘટનાને લઈને હોબાળો મચતાં ગઈ કાલે વીરભદ્ર સિંહે ‘આઇ ઍમ સૉરી’ કહીને માફી માગી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘મારા જેટલી સારી મૅનર્સ ધરાવતો બીજો કોઈ રાજકારણી નહીં હોય. હું હંમેશાં પ્રેસનું માન જાળવું છે.’

કૉન્ગ્રેસના પ્રવક્તા સંદીપ દીક્ષિતે પણ તેમના નેતાના વર્તન બદલ માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો અમને ખેદ છે, અમે માફી માગીએ છીએ.’

બીજેપીના નેતા અરુણ જેટલીએ મંગળવારે વીરભદ્ર સિંહ પર ઇન્કમ-ટૅક્સ રિટર્નમાં આવક વિશે ખોટી માહિતી રજૂ કરવાનો આરોપ મૂક્યો હતો.