વિયેટનામમાં રહે છે 26 વર્ષના યુવાન ડોશીમા!

14 October, 2011 09:50 PM IST  | 

વિયેટનામમાં રહે છે 26 વર્ષના યુવાન ડોશીમા!

 

૨૩ વર્ષની હતી ત્યારથી ઍલર્જીને કારણે તેનામાં ધીમે-ધીમે જાણે ઘડપણ પ્રવેશવા લાગ્યું અને આજે હવે તે રીતસરની કોઈ વૃદ્ધા જેવી જ દેખાય છે

 

નુયેનના દાવા પ્રમાણે ૨૦૦૮માં તેની સાથે આ બનાવ બન્યો હતો જેને કારણે તેની યુવાન ત્વચા ઘરડી વ્યક્તિ જેવી કરચલીવાળી અને લટકતી બની ગઈ હતી. નુયેનનો પતિ નુયેન થાન્હ ટુયેન કાર્પેન્ટર તરીકે કામ કરે છે. અત્યારે નુયેન ૨૬ વર્ષની છે, પણ તેની બીમારીને કારણે તેનો લુક વયસ્ક મહિલા જેવો છે. જોકે તેના પતિને આ વાતથી કોઈ ફરિયાદ નથી. આ લુક વિશે વાત કરતાં તેના પતિએ કહ્યું હતું કે વાઇફની આ બીમારીને કારણે તેના પ્રત્યેનો પ્રેમ બિલકુલ ઓછો નથી થયો.


નુયેનની આ બીમારી વિશે ડૉક્ટરોમાં પણ ભારે મતમતાંતર છે. કેટલાક ડૉક્ટરોનું માનવું છે કે આ લિપોડિસ્ટ્રોફીમાં નામની બીમારી છે, જ્યારે અમુક લોકોને લાગે છે કે તેણે ઍલર્જીની સારવાર માટે જે દવા લીધી હતી એમાં સ્ટેરૉઇડનું ઊંચું પ્રમાણ હોવાથી એની આ અસર થઈ  છે. લિપોડિસ્ટ્રોફીમાં ત્વચાના સ્તરની નીચે ફૅટી ટિશ્યુનું આખું સ્તર તૈયાર થાય છે અને ત્વચા બહુ ઝડપથી વિકાસ પામવા લાગે છે. આ રોગની કોઈ સારવાર નથી અને એનો ભોગ બનનારી વ્યક્તિના આખા શરીરની ત્વચા કરચલીવાળી બની જાય છે. આ ભાગ્યે જ જોવા મળતો રોગ છે અને હાલના તબક્કે આખા વિશ્વમાં માત્ર બે હજાર લોકો જ આ સમસ્યાથી પીડાય છે.

આ સમસ્યાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં નુયેને કહ્યું હતું કે ‘૨૦૦૮માં મને સી-ફૂડને કારણે રીઍક્શન આવતાં આખા શરીરે ખંજવાળ આવતી હતી. એ સમયે અમારી પાસે ખાસ પૈસા ન હોવાથી અમે ડૉક્ટરની સલાહ લીધા વગર સ્થાનિક ફાર્મસીમાંથી દવા લીધી હતી. એક મહિના સુધી આ દવા લીધા પછી ખંજવાળ તો ઓછી થઈ ગઈ, પણ એનાં નિશાન મારી ત્વચા પર રહી ગયાં. આ નિશાન દૂર કરવા માટે મેં પરંપરાગત દવા લીધી હતી અને એને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. આને કારણે મારી ત્વચા વૃદ્ધા જેવી થઈ ગઈ છે; પણ મારી મેનસ્ટ્રુલ સાઇકલ, વાળ, દાંત, આંખ અને મગજ કોઈ યુવાન મહિલાની જેમ જ કામ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે આમ છતાં મારા પતિનો મારા પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થયો. તેઓ મને આજે પણ એટલું જ ચાહે છે જેટલું મારાં લગ્ન વખતે મને ચાહતા હતા. હવે મેં સારવાર બંધ કરી દીધી છે અને ક્યાંય બહાર જવું હોય તો માસ્ક પહેરીને જવાનું પસંદ કરું છું.’