અહીંયા ટામેટાનો ભાવ છે 11,000 રૂ/કિલો, ચિકન વેચાય છે 10,000 રૂ/કિલો

11 February, 2019 05:14 PM IST  | 

અહીંયા ટામેટાનો ભાવ છે 11,000 રૂ/કિલો, ચિકન વેચાય છે 10,000 રૂ/કિલો

વેનેઝુએલાના માર્કેટમાં એક કિલો ચિકનની કિંમત આશરે 10,200 રૂપિયા છે.

વેનેઝુએલાનું આર્થિક સંકટ આજની તારીખમાં કોઈનાથી છુપું નથી. પરિસ્થિતિ એવી છે કે ત્યાં લોકોને ખાવાના સાંસા પડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ત્યાં ભૂખમરાની પરિસ્થિતિ એવી છે કે એક કિલો ચોખા માટે લોકો એકબીજાની હત્યા પણ કરી શકે છે. આટલું બધું થયા પછી પણ ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આંતરરાષ્ટ્રીય મદદને એમ કહીને ના પાડી દીધી છે કે તેમનો દેશ ભિખારી નથી. આવા હાલ ત્યારે છે જ્યારે આર્થિક રીતે બદહાલીનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં ફુગાવાનો દર 13 લાખ ટકા સુધી વધી ચૂક્યો છે.

આકાશે અડી રહી છે મોંઘવારી

પરિસ્થિતિ એ છે કે વેનેઝુએલાના માર્કેટમાં એક કિલો ચિકનની કિંમત આશરે 10,200 રૂપિયા, કોઈ રેસ્ટોરન્ટમાં સામાન્ય ભોજનના 34 હજાર રૂપિયા, 5 હજાર રૂપિયે લીટર કરતા વધારે કિંમતનું દૂધ, 6535 રૂપિયામાં એક ડઝન ઇંડા, 11 હજાર રૂપિયે કિલો ટામેટાં, 16 હજાર રૂપિયે માખણ, 17 હજાર રૂપિયે કિલો બટાકા, 95 હજાર રેડ ટેબલ વાઈન, 12 હજારમાં લોકલ બિયર અને 6 હજાર રૂપિયામાં કોકાકોલાની બે લીટરની બોટલ મળી રહી છે.

ઠુકરાવી આંતરરાષ્ટ્રીય મદદ

આટલી બધી મોંઘવારી હોવા છતાં અમેરિકા પાસેથી સહાયતા સામગ્રી લઈને આવી રહેલા જહાજને વેનેઝુએલા આવતા પહેલા જ અટકાવી દેવામાં આવ્યું છે. આ જહાજ હાલ કોલંબિયાના કુકુટામાં છે. માદુરોએ સંકલ્પ કર્યો છે કે જહાજને પ્રવેશવા નહીં દે. તેમણે જહાજને અમેરિકન આક્રમણનો અગ્રદૂત ગણાવ્યું છે. અહીંયા એ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે માદુરો સરકારે આંતરરાષ્ટ્રીય મદદને રોકવા માટે કોલંબિયા-વેનેઝુએલા સરહદ પર બનેલા એ પુલને અવરોધ્યો છે જે પુરવઠા માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. રાષ્ટ્રપતિ માદુરોએ આંતરરાષ્ટ્રીય મદદને ઠુકરાવીને એટલે સુધી કહી દીધું કે માનવતાના દેખાડાના નામ પર થઈ રહેલી મદદને અમે ક્યારેય સ્વીકાર નહીં કરીએ. વેનેઝુએલામાં માનવતા પર સંકટના ખોટા પ્રચાર છેલ્લા 4 વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ અહીંયા એવું કંઇપણ નથી. તેમણે આ માટે અમેરિકા પર આરોપ લગાવીને ત્યાં સુધી કહ્યું કે તે અમારા આંતરિક મામલાઓમાં દખલ કરી રહ્યા છે.

અમેરિકાની અપીલ

જોકે અમેરિકાએ માદુરોના તમામ આરોપોને ખોટા ગણાવીને વેનેઝુએલાથી પુલ ખોલવાની અપીલ કરી છે. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોંપિયોએ ટ્વિટ કરીને કહ્યું છે કે માદુરો સરકારે માનવીય મદદ ભૂખ્યા લોકો સુધી પહોંચવા દેવી જોઈએ. હાલ વેનેઝુએલાની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને ત્યાં ભૂખ્યા, બીમાર લોકોને તાત્કાલિક મદદની જરૂર છે. આ દરમિયાન અમેરિકાએ યુએનની સુરક્ષા પરિષદમાં એક ઠરાવ પસાર કરવાની વાત કરી છે. આ ઠરાવમાં વેનેઝુએલામાં આંતરરાષ્ટ્રીય મદદ પહોંચાડવા માટે તમામ દેશોમાંથી એકસાથે આવવાની માંગ કરી છે.

પોતાનાઓ જ છોડી રહ્યા છે સાથ

તમને જણાવી દઇએ કે વર્તમાનમાં વેનેઝુએલા ન ફક્ત આર્થિક સંકટ પરંતુ રાજકીય સંકટમાંથી પણ પસાર થઈ રહ્યું છે. ત્યાં માદુરો ઉપરાંત વિપક્ષના નેતા ઝુઆન ગુએદોએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરી રાખ્યા છે. આ ઉપરાંત તેઓ તે દેશોની યાત્રા કરી રહ્યા છે જે માદુરોને સમર્થન આપી રહ્યા છે. તેમાં ચીન પણ સામેલ છે, જ્યાં ગુએદોએ ગયા અઠવાડિયે યાત્રા કરી હતી. બીજી બાજુ ઘણા પશ્ચિમી દેશ ગુએદોને સમર્થનનું એલાન કરી ચૂક્યા છે. આ ઉપરાંત માદુરો આંતરરાષ્ટ્રીય મદદની વિનંતી કરી છે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો છે કે તેમનો અવાજ સાંભળવામાં આવશે અને વેનેઝુએલાના લોકોને મદદ મળી શકશે. પરંતુ એવામાં માદુરોની રાજકીય સ્થિતિ ઘણી ખરાબ થઈ ચૂકી છે. એટલું જ નહીં માદુરોનો સાથે હવે તેમના જ લોકો છોડવા લાગ્યા છે. આ ઉપરાંત માદુરોએ દેશમાં સામાન્ય ચૂંટણીનું અલ્ટિમેટમ માનવાનો ઇન્કાર કરી દીધો છે.

ક્યાંક છેડાઈ ન જાય ગૃહયુદ્ધ

તાજેતરમાં જ વેનેઝુએલાની સેનામાં ડોક્ટર કર્નલ રૂબેન પાજ જિમેનેજે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પોતાની વફાદારી ખતમ કરવાની જાહેરાત કરી. તેમણે વિપક્ષના નેતા જુઆન ગુએદોનું સમર્થન કર્યું છે. કર્નલે શનિવારે જાહેર એક વીડિયોમાં કહ્યું કે સશસ્ત્ર દળોમાં 90 ટકા લોકો હકીકતમાં નાખુશ છે. અમે તેમને સત્તામાં ટકાવી રાખવા માટે ઉપયોગ કરી રહ્યા છીએ. તેમણે પોતાના સાથી સૈનિકો પાસેથી વેનેઝુએલાને માનવીય સહાયતા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો છે. લગભગ એક અઠવાડિયા પહેલા જ વાયુસેના જનરલ ફ્રાંસિસ્કો યોનેજે પણ માદુરો સાથે પોતાની વફાદારી ખતમ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે વેનેઝુએલામાં સત્તામાં રહેવા માટે સેનાનું સમર્થન મહત્વનું હોત. પરંતુ આ તમામની વચ્ચે એ વાત એકદમ સ્પષ્ટ છે કે વેનેઝુએલાનું રાજકીય સંકટ જો જલ્દી ખતમ ન થયું તો ત્યાં ગૃહયુદ્ધની સ્થિતિ પણ આવી શકે છે.

venezuela