નેપાળમાં શું આરોગે છે નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ

27 November, 2014 03:13 AM IST  | 

નેપાળમાં શું આરોગે છે નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ




નેપાલમાં સાર્કની શિખર પરિષદ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓછા તેલ-મસાલાવાળી વાનગીઓ આરોગી હતી, પણ તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે હલાલ મીટની જ્યાફત માણી હતી.

બે દિવસની સાર્ક શિખર પરિષદમાં આવેલા નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ સહિતના સાર્કના નેતાઓનો ઉતારો હોટેલ ક્રાઉન પ્લાઝા કાઠમાંડુ-સોલ્ટેમાં છે. નરેન્દ્ર મોદીને મેઇન બિલ્ડિંગમાં એક્ઝિક્યુટિવ સ્વીટ ફાળવવામાં આવ્યો છે; જ્યારે નવાઝ શરીફ હોટેલ પરિસરમાં એક અલગ બંગલામાં બાંધવામાં આવેલા રિયલ સ્વીટમાં સાર્કના અન્ય નેતાઓની સાથે રહે છે. આ હોટેલ તે તમામ નેતાઓનાં ટેસ્ટ અને વાનગીઓની પસંદગીનું ધ્યાન રાખ્યું છે.



વાનગીઓ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોટેલના એક કર્મચારીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ઓછા તેલ-મસાલાવાળી વાનગીઓ ખાય છે, પણ નવાઝ શરીફને મસાલેદાર હલાલ મીટની ડિશો પસંદ છે. નરેન્દ્ર મોદી માટે બનાવવામાં આવતા ભોજનમાં ઓછામાં ઓછા પનીરનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

સવારના નાસ્તામાં ચાની સાથે ઉત્તપમ કે ઇડલી અને ડાઇજેસ્ટિવ બિસ્કિટ્સ ઉપરાંત નરેન્દ્ર મોદી મિક્સ્ડ ફ્રૂટ આરોગી રહ્યા છે. લંચમાં નરેન્દ્ર મોદીએ દાળ તથા જીરા રાઇસની સાથે બે જાતનાં શાક, તવા રોટી અને વેજિટેબલ સૂપ લીધાં હતાં. નરેન્દ્ર મોદી થોડું દહીં અને મસાલા છાસ પીવાનું ક્યારેય નથી ભૂલતા. ડિનરમાં નરેન્દ્ર મોદી ગુજરાતી કઢી-ખીચડી, દાળ અને રોટલી ખાવાનું પસંદ કરે છે, જ્યારે ડિઝર્ટમાં મિક્સ્ડ ફ્રૂટ લે છે.

નવાઝ શરીફને હલાલ મીટ ઉપરાંત પાકિસ્તાની શૈલીમાં પકાવવામાં આવેલી ફિશ પસંદ છે. લંચ અને ડિનરમાં તેઓ ઑર્ગેનિક ચિકન કે મટન ખાય છે. ડિઝર્ટમાં તેમને કેસર ખીર ખાવી ગમે છે.