ન્યુ યૉર્કમાં શરૂ થઈ રહેલી લક્ઝરી હોટેલમાં માણસોને નો એન્ટ્રી

21 August, 2012 05:11 AM IST  | 

ન્યુ યૉર્કમાં શરૂ થઈ રહેલી લક્ઝરી હોટેલમાં માણસોને નો એન્ટ્રી

ન્યુ યૉર્કમાં થોડા દિવસોમાં એક એવી લક્ઝરી હોટેલ શરૂ થશે જેની દરેક રૂમમાં મુલાયમ ઓશીકા સાથેના મોંઘાદાટ બેડ, ફ્લૅટ ટીવી-સ્ક્રીન તથા મહેમાનો માટે જિમની સુવિધા અને એમને ખાસ શેફ દ્વારા તૈયાર થયેલું ભોજન પીરસવામાં આવશે. ડી-પૅટ નામની આ હોટેલના આકર્ષક ફીચર્સથી માણસોએ લલચાવાની જરૂર નથી, કારણ કે એમાં માત્ર પાળેલા ડૉગ્સને જ એન્ટ્રી છે.

મેનહટનમાં આવેલી આ હોટેલ ૯૭૦૦ ચોરસ ફૂટ એરિયામાં ફેલાયેલી છે. ચાર વર્ષ પહેલાં અમેરિકાના હૉલીવુડમાં સૌથી પહેલી ડી-પૅટ હોટેલ શરૂ થઈ હતી. હવે ન્યુ યૉર્કમાં પણ એ શરૂ થઈ રહી છે. હોટેલના જણાવ્યા પ્રમાણે એમાં લક્ઝરી હોટેલમાં જે સર્વિસ માણસોને અપાય છે એવી જ સર્વિસ ડૉગીને આપવામાં આવે છે. હોટેલની દરેક રૂમમાં ફ્લૅટ ટેલિવિઝન મૂકવામાં આવ્યાં છે, જેમાં ડૉગ-પેરન્ટ્સની સૂચના પ્રમાણેના વિડિયો કે ફૅમિલી ફોટો બતાવવામાં આવશે. હોટેલના માલિક કેરી બ્રાઉને કહ્યું હતું કે અનેક પરિવારો તેમના ડૉગને રેગ્યુલર ટીવી જોવાની ટેવ પાડે છે અને એટલે જ હોટેલમાં આ સર્વિસ પણ આપવામાં આવે છે. પોતાની ફિટનેસને લઈને ચિંતિત ડૉગ માટે આ હોટેલમાં જિમ પણ છે, જેમાં ખાસ ટ્રેઇનર તેમને લેટેસ્ટ સાધનોની મદદથી કસરત કરાવશે. ડૉગને રમવા માટે હોટેલમાં ત્રણ પ્લેગ્રાઉન્ડ પણ છે એટલું જ નહીં; મહેમાનો માટે સ્પા, બુટિક તથા લુક ચેન્જ કરવા માટે ગ્રુમિંગ સેન્ટર પણ છે. ડૉગને લાવવા-લઈ જવા માટે આ હોટેલ શૉફર સાથેની કાર-સર્વિસ પણ આપે છે.