અમેરિકન સંસદમાં હિંસા : સેનેટે ડોનલ્ડ ટ્રમ્પને આપી ક્લીન ચિટ

15 February, 2021 01:38 PM IST  |  Washington DC | GNS

અમેરિકન સંસદમાં હિંસા : સેનેટે ડોનલ્ડ ટ્રમ્પને આપી ક્લીન ચિટ

અમેરિકાની સંસદના કૅપિટલ બિલ્ડિંગમાં થયેલાં તોફાનોને લઈને ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી હાથ ધરાઈ અને સેનેટમાં મતદાન થયું હતું

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પને બીજી વખત ઇમ્પીચમેન્ટની કાર્યવાહીમાંથી છુટકારો મળ્યો છે. ૬ જાન્યુઆરીએ અમેરિકાની સંસદના કૅપિટલ બિલ્ડિંગમાં થયેલાં તોફાનોને લઈને ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી હાથ ધરાઈ અને સેનેટમાં મતદાન થયું હતું. સેનેટમાં થયેલા મતદાનમાં ૫૭ સેનેટરોએ ટ્રમ્પને દોષી તેમ જ ૪૩ સેનેટરોએ નિર્દોષ ગણાવતાં મત આપ્યો હતો. સેનેટમાં ટ્રમ્પને દોષી ઠેરવવા માટે સેનેટરોની બે તૃતીયાંશ બહુમતી નહીં મળતાં ટ્રમ્પ નિર્દોષ ઠર્યા છે. અગાઉ પણ ટ્રમ્પ વિરુદ્ધ ઇમ્પીચમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એમાં તેમને મુક્તિ મળી હતી.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિર્ણયને આવકાર્યો હતો અને પોતાની વિરુદ્ધ ચાલી રહેલી આ કાર્યવાહીને યુએસના ઇતિહાસમાં સૌથી ખરાબ વિચહન્ટનો બીજો તબક્કો હોવાનું ગણાવ્યું હતું. રાજકારણમાં પોતાનો દબદબો જાળવી રાખવાનો તેમ જ હવે પછીની ચૂંટણીમાં ઝંપલાવવાનો ઇરાદો વ્યક્ત કરતાં ટ્રમ્પે જણાવ્યું કે મેક અમેરિકા ગ્રેટ માટે દેશભક્ત અને સુંદર અભિયાન હવે શરૂ થયું છે. વાઇટ હાઉસ છોડ્યા બાદ ટ્રમ્પ ફ્લૉરિડામાં પોતાની ક્લબમાં રહે છે.