યુએસએના ડેવિડ બેનેટમાં હવે ધડકે છે એક ડૂક્કરનું હ્રદય, થઇ સફળ સર્જરી

11 January, 2022 01:02 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

આ ટ્રાન્સપ્લાન્ટ કરનાર મેડિકલ ટીમે આ કામ ઘણા વર્ષોના રિસર્ચના આધારે કર્યું છે, જે હવે વિશ્વનાં ઘણાં હાર્ટ પેશન્ટના જીવનને બદલી શકે છે

તસવીર : એ.એફ.પી.

યુએસની એક વ્યક્તિ વિશ્વની પ્રથમ વ્યક્તિ બની છે જેના શરીરમાં હવે  જીનેટિકલી મોડિફાઇડ ડુક્કરનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. યુએસએના ડૉકટરોએ કહ્યું છે કે 57 વર્ષીય ડેવિડ બેનેટ બાલ્ટીમોરમાં સાત કલાકની શસ્ત્રપ્રક્રિયા પછી ત્રણ દિવસ પછી હાલમાં રિકવર થઇ રહ્યા છે. 

આ ટ્રાન્સપ્લાન્ટ બેનેટની જીવન બચાવવાની છેલ્લી આશા હતી. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેઓના જીવિત રહેવાની શક્યતા ક્યાં સુધી છે. બેનેટે સર્જરીના આગલા દિવસે કહ્યું હતું કે `આ ટ્રાન્સપ્લાન્ટ જીવો કે મરો` જેવું છે. તેમણે કહ્યું, "હું જાણું છું કે તે અંધારામાં તીર મારવા જેવું છે, પરંતુ આ મારી છેલ્લી તક છે."

જો બેનેટની આ સર્જરી ન થઈ હોત તો તે મૃત્યુ પામ્યા હોત, તેના આધારે યુએસ હેલ્થ રેગ્યુલેટર દ્વારા યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના ડોકટરોને આ પ્રક્રિયા માટે વિશેષ છૂટ આપવામાં આવી હતી.

આ ટ્રાન્સપ્લાન્ટ કરનાર મેડિકલ ટીમે આ કામ ઘણા વર્ષોના રિસર્ચના આધારે કર્યું છે, જે હવે વિશ્વનાં ઘણાં હાર્ટ પેશન્ટના જીવનને બદલી શકે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિને સર્જન બાર્ટલી પી. ગ્રિફિથને ટાંકીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્જરીએ વિશ્વને "અંગોની અછતની કટોકટીના પ્રશ્નને ઉકેલવા જાણે એક પગલું નજીક લાવી દીધા છે."

યુ.એસ.માં, ટ્રાન્સપ્લાન્ટની રાહ જોતાં દરરોજ 17 લોકો મૃત્યુ પામે છે અને 1 લાખથી વધુ લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઈ રહેલાના લિસ્ટમાં છે.

આ ગેપને ભરવા માટે પ્રાણીઓના અંગોનો ઉપયોગ કરવાની શક્યતા લાંબા સમયથી તપાસવામાં આવી રહી હતી અને તેને ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન કહેવામાં આવે છે. ડુક્કરના હાર્ટ વાલ્વનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે.

ઑક્ટોબર 2021 માં, ન્યુ યોર્કના સર્જનોએ જાહેરાત કરી કે તેઓએ એક વ્યક્તિમાં ડુક્કરની કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી છે. તે સમયે આ ઓપરેશન આ વિસ્તારમાં સૌથી અદ્યતન પ્રયોગ હતો. જો કે, તે સમયે જે વ્યક્તિમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તે બ્રેઈન ડેડ હતી અને તેના સાજા થવાની કોઈ આશા નહોતી.

international news united states of america