અમેરિકામાં વિદેશી સ્ટુડન્ટ્સને ચેતવણીઃ ક્લાસમાં ગુટલી મારશો તો વીઝા ગુમાવશો

28 May, 2025 10:07 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકન સરકારે કોઈ પણ પૂર્વ જાણકારી વિના વીઝા રદ કરીને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ પર કડક કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં એક તરફ સામૂહિક દેશનિકાલનો દોર ચાલી રહ્યો છે ત્યારે અમેરિકાએ ભારતીય અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સને ચેતવણી આપતાં કહ્યું હતું કે જે સ્ટુડન્ટ્સ ક્લાસ છોડી દે છે અથવા અભ્યાસક્રમ છોડે છે તેમના વીઝા રદ થઈ શકે છે અને તેમને દેશ છોડવાની ફરજ પડી શકે છે.

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે ‘જો તમે સ્કૂલને જાણ કર્યા વિના અભ્યાસ છોડી દો છો, ક્લાસ છોડી દો છો અથવા અભ્યાસનો કાર્યક્રમ છોડી દો છો તો તમારા સ્ટુડન્ટ-વીઝા રદ થઈ શકે છે અને તમે ભવિષ્યમાં અમેરિકાના વીઝા માટે પાત્રતા ગુમાવી શકો છો. હંમેશાં તમારા વીઝાની શરતોનું પાલન કરો અને કોઈ પણ સમસ્યા ટાળવા માટે તમારા સ્ટુડન્ટ દરજ્જાને જાળવી રાખો.’

અમેરિકન સરકારે કોઈ પણ પૂર્વ જાણકારી વિના વીઝા રદ કરીને આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સ પર કડક કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. પૅલેસ્ટીનતરફી વિરોધ-પ્રદર્શનોથી લઈને ટ્રૅફિક-ઉલ્લંઘન સુધીનાં કારણો આપીને વીઝા રદ કરવામાં આવી રહ્યા છે. દરેક કેસમાં કારણ અલગ-અલગ હોય છે જે ઘણી વાર સ્ટુડન્ટ્સને વ્યાપક મૂંઝવણમાં મૂકે છે.

united states of america Education travel travel news news international news world news