અમેરિકામાં દુકાળને કારણે બ્રિટનમાં મોંઘવારીમાં વધારો

29 August, 2012 05:59 AM IST  | 

અમેરિકામાં દુકાળને કારણે બ્રિટનમાં મોંઘવારીમાં વધારો

અમેરિકામાં આવેલા દાયકાના સૌથી ભીષણ દુકાળને કારણે બ્રિટનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગઈ કાલે બ્રિટનના નિષ્ણાતોએ મોંઘવારીમાં હજી પણ વધારો થશે એવી ચેતવણી આપી છે. તેમના મતે અમેરિકાના દુકાળને કારણે દુનિયાભરમાં અનાજના ભાવમાં વધારો થશે જેની અસર ખાસ કરીને બ્રેડ અને પાસ્તાની કિંમત પર પડશે. દુકાળને કારણે પશુપાલનના ખર્ચમાં પણ વધારો થયો છે જેને લીધે મીટ પણ મોંઘું થયું છે. અમેરિકાનાં ૩૫ જેટલાં રાજ્યો દુકાળની ઝપેટમાં આવી ગયાં છે.

ભારતની જેમ બ્રિટનમાં પણ આ વર્ષે ખરાબ હવામાનને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. બ્રિટનમાં રોજબરોજના વપરાશની શાકભાજી દક્ષિણ આફ્રિકા અને ગ્વાટેમાલા જેવા દેશોમાંથી આયાત કરવી પડે છે. ભારે વરસાદ તથા અસામાન્ય ગરમીને કારણે બ્રિટનમાં મોટા ભાગના પાકને નુકસાન પહોંચ્યું છે. રીટેલ વેપારીઓના સંગઠન બ્રિટિશ રીટેલ કન્ર્સોટિયમના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે દુકાળની બજાર પર ખરાબ અસર પડશે. બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જેવા દેશોમાં પણ અમેરિકાના દુકાળની અસર જોવા મળી રહી છે.

અમેરિકામાં બે તૃતીયાંશ ઉપજાઉ જમીન પર દુકાળની અસર છે. સૌથી વધુ ખરાબ અસર મકાઈના પાક પર થઈ છે. આ ઉપરાંત સોયાબીનના પાકને પણ ભારે નુકસાન થતાં સોયાબીન તેલના ભાવમાં પણ વધારો થયો છે. પશુપાલકો પણ સોયાબીન અને મકાઈનો પશુઆહાર તરીકે મોટા પાયે ઉપયોગ કરતા હોય છે.