બે છોકરાઓ વચ્ચે દોસ્તી થઈ પછી ખબર પડી કે તેઓ સગા ભાઈઓ છે

29 November, 2012 03:14 AM IST  | 

બે છોકરાઓ વચ્ચે દોસ્તી થઈ પછી ખબર પડી કે તેઓ સગા ભાઈઓ છે



વૉશિંગ્ટન શહેરમાં રહેતા આઇઝેક અને ડેકોટા નામના આ બે છોકરાઓ ગયા ઉનાળા દરમ્યાન એક સ્વિમિંગ પૂલ પાસે મળ્યાં હતા. ૧૨ વર્ષના આઇઝેક નોલ્ટિન અને ૧૩ વર્ષના ડેકોટા ઝીમર વચ્ચે થોડા જ વખતમાં પાકી મિત્રતા થઈ ગઈ હતી. આઇઝેક અને ડેકોટાને જન્મ આપનાર માતા એક જ હતી. ડેકોટા જ્યારે એક વર્ષનો હતો ત્યારે જ તેની માતાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. એ પછી તેણે આઇઝેક નામનો બીજો દીકરો ડૉન નામની મહિલાને દત્તક આપી દીધો હતો. ડેકોટા અને આઇઝેકને જન્મ આપનાર માતાનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું, જ્યારે તેમના પિતાનું પણ ચાર વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું.

થોડા સમય પહેલાં જ અચાનક મળ્યાં બાદ દોસ્ત બની ગયેલા આ બન્ને છોકરાઓને તેઓ સગા ભાઈ હોવાની જાણ કેવી રીતે થઈ એ પણ રસપ્રદ છે. એક જ માતાનાં સંતાનો હોવાને કારણે બન્ને છોકરાઓની બોલચાલ તથા શારીરિક દેખાવમાં ઘણી સમાનતા હતી. ખાસ કરીને બન્નેનાં નાક સરખાં હતાં. ડેકોટાને તેની દાદીમા દ્વારા ખબર હતી કે તેને એક ભાઈ છે. એક દિવસ ડેકોટાએ આઇઝેકને કહ્યું હતું કે ‘મારે એક ભાઈ છે, પણ હું ક્યારેય તેને મળ્યો નથી. મારા ભાઈને ડૉન નામની મહિલાએ દત્તક લીધો છે.’ આ વાત સાંભળીને ચોંકેલા આઇઝેકે કહ્યું હતું કે ‘આ તો મારી મમ્મીનું નામ છે.’ બાદમાં આઇઝેકે પોતાની મમ્મીને આ વિશે વાત કરતાં તેણે પણ આ હકીકતનો સ્વીકાર કર્યો હતો અને આ રીતે ડેકોટા અને આઇઝેકને તેઓ સગા ભાઈઓ હોવાની ખબર પડી હતી.