ગનમૅને છથી સાત વર્ષનાં બાળકોના શરીરમાં ત્રણથી ૧૧ બુલેટ ધરબી હતી

17 December, 2012 03:11 AM IST  | 

ગનમૅને છથી સાત વર્ષનાં બાળકોના શરીરમાં ત્રણથી ૧૧ બુલેટ ધરબી હતી




અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટના ન્યુટાઉન શહેરમાં આવેલી સૅન્ડી હુક એલિમેન્ટરી સ્કૂલમાં શુક્રવારે થયેલા શૂટઆઉટની આઘાતજનક હકીકતો બહાર આવી રહી છે. હત્યાકાંડમાં માર્યા ગયેલા ૨૦ માસૂમ બાળકોનું પોસ્ટમૉર્ટમ કરનાર કનેક્ટિકટના ચીફ મેડિકલ એક્ઝામિનર એચ. વૅન કાર્વરે કહ્યું હતું કે બાળકોના મૃતદેહોમાંથી ત્રણથી ૧૧ બુલેટ્સ મળી આવી હતી. તેમણે કહ્યું હતું કે મારી ૩૦ વર્ષની કરીઅરમાં ક્યારેય માસૂમ બાળકોના શરીરને આટલા મોટા પાયે નુકસાન થયેલું જોયું નથી. આ માહિતી આપતાં આ અનુભવી ડૉક્ટર પણ રડી પડ્યા હતા.

ડૉ. કાર્વરે કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં બે બાળકોને તો અત્યંત નજીકથી ગોળીઓ મારવામાં આવી હતી. ડૉક્ટરે હત્યારા ઍડમ લેન્ઝા અને તેની માતા નૅન્સી લેન્ઝાનું પોસ્ટમૉર્ટમ પણ કર્યું હતું. લેન્ઝાએ સ્કૂલમાં શૂટઆઉટ પહેલાં ઘરે પોતાની માતાને ઠાર કરી હતી. લેન્ઝાનો શિકાર બનેલાં બાળકોની ઉંમર માત્ર છ અને સાત વર્ષની હતી. હત્યાકાંડમાં શૂટર લેન્ઝા સહિત કુલ ૨૮ લોકોનાં મોત થયાં હતા.

હત્યાકાંડ પાછળનું કારણ શું?

ભણવામાં અત્યંત બ્રિલિયન્ટ અને ભૂતકાળમાં ક્યારેય કોઈને નુકસાન નહીં પહોંચાડનાર ૨૦ વર્ષના ઍડમ લેન્ઝાએ કેમ પોતાની માતા સહિત ૨૭ લોકોને મોતને ઘાટ ઉતાર્યા એનું કારણ શોધવા અમેરિકી પોલીસ મથામણ કરી રહી છે. ગઈ કાલે  કનેક્ટિકટ સ્ટેટના પોલીસ લેફ્ટનન્ટ પૉલ વેન્સે કહ્યું હતું કે અમને કેટલાક મહત્વના પુરાવા મળ્યાં છે, ટૂંક સમયમાં હત્યારાનો ઇરાદો શું હતો તેનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઍડમ લેન્ઝાની માતા નૅન્સી લેન્ઝાની મિત્ર લુઇ ટેમ્બેસિયોએ કહ્યું હતું કે શરૂઆતનાં વર્ષોમાં ઍડમને જ્યાં ભણવા મૂક્યો હતો એ સ્કૂલમાં તેને ફાવતું ન હતું, એ પછી નૅન્સીએ તેને આ સ્કૂલમાંથી કાઢીને અન્ય સ્કૂલમાં મૂક્યો હતો. અમેરિકી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ઍડમ લેન્ઝા ઓટિઝમ નામની માનસિક બીમારીથી પીડાતો હતો. આ બીમારીથી પીડાતા લોકો અત્યંત ઇન્ટેલિજન્ટ હોય છે પણ તેઓ ઝડપથી હતાશ થઈ જતા હોય છે. એવી શક્યતા છે કે હતાશામાં આવીને ઍડમે હત્યાકાંડ સજ્ર્યો હોઈ શકે છે.