સૅન્ડીના આતંકથી અમેરિકનો બેહાલ

31 October, 2012 03:07 AM IST  | 

સૅન્ડીના આતંકથી અમેરિકનો બેહાલ




સેન્ડીના કહેરનો વિડીયો
સેન્ડીએ મચાવેલી તબાહીની તસવીરો


તેજ ગતિએ ફૂંકાતા પવન અને ધોધમાર વરસાદ સાથે ગઈ કાલે સુપરસ્ટૉર્મ સૅન્ડી અમેરિકાના પૂર્વ કાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાને કારણે ૩૩ લોકોનાં મોત થયાં હતાં અને ૬૨ લાખ લોકોના ઘરમાં અંધારપટ છવાયો હતો. ન્યુ યૉર્કનું શૅરબજાર ૧૮૮૮ પછી પહેલી વાર સતત બે દિવસ બંધ રહ્યું હતું. ‘સૅન્ડી’ અમેરિકા પર ત્રાટકેલું અત્યાર સુધીનું સૌથી વિનાશક વાવાઝોડું પુરવાર થયું છે જેને કારણે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ગઈ કાલે મોટી હોનારત જાહેર કરી હતી. કટોકટીને પગલે ગઈ કાલે પણ ૧૩,૦૦૦થી વધારે ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી.

૧૩૦ કિલોમીટરની સ્પીડે ત્રાટક્યું

ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ જ્યાં મોટી સંખ્યામાં વસે છે એવા ન્યુ જર્સી સ્ટેટમાં ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ‘સૅન્ડી’ ત્રાટક્યું હતું તેને કારણે દરિયાકાંઠે ૧૩ ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ઓબામા ચૂંટણીપ્રચાર અટકાવીને વૉશિંગ્ટનમાંથી રાહત અને બચાવકામગીરી પર નજર રાખી રહ્યા છે.

૧૩,૦૦૦ ફ્લાઇટ કૅન્સલ

ન્યુ યૉર્કના જ્હોન એફ. કૅનેડી ઍરપોર્ટ સહિતનાં તમામ નાનાં-મોટાં ઍરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ગઈ કાલે ૧૩,૦૦૦થી વધારે ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી. એટલું જ નહીં આજે લૅન્ડ થનારી ૫૦૦ જેટલી ફ્લાઇટ પણ કૅન્સલ કરવામાં આવી હતી. અમેરિકન ઍરલાઇન્સ તથા યુનાઇટેડ અને ડેલ્ટા ઍરલાઇન્સે તમામ ફ્લાઇટ રદ કરી હતી.

૨૦ અબજ ડૉલરનું નુકસાન

‘સૅન્ડી’એ ખાસ કરીને ન્યુ યૉર્ક અને ન્યુ જર્સી સ્ટેટમાં ભારે ખાનાખરાબી સર્જી છે. જે લોકોના ઘર અને બિઝનેસના સ્થળને નુકસાન પહોંચ્યું છે તેમના માટે ઓબામાએ ગઈ કાલે ખાસ ભંડોળ જાહેર કર્યું હતું. અમેરિકાનાં વિવિધ શેરબજારો ગઈ કાલે પણ બંધ રહ્યાં હતાં. જેમાં ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જ ૧૮૮૮ પછી પહેલી વાર સતત બે દિવસ બંધ રહ્યું હતું. ‘સૅન્ડી’ને કારણે અમેરિકાને ૧૦થી ૨૦ અબજ ડૉલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. આ વાવાઝોડું અત્યાર સુધીનું સૌથી મોંઘી કુદરતી હોનારત પુરવાર થઈ છે. અમેરિકી મિડિયાના અહેવાલ મુજબ ન્યુ જર્સી, ન્યુ યૉર્ક, મૅરિલૅન્ડ, નૉર્થ કૅરોલિના, વેસ્ટ વર્જિનિયા, પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટમાં ૧૭ લોકોનાં મોત થયાં છે; જેમાં મોટા ભાગના લોકોનાં મોત વૃક્ષ નીચે કચડાઈ જતાં થયાં છે.

લશ્કર-એ-તય્યબાની મદદની ઑફર

પાકિસ્તાનના કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાના વડા હફીઝ સઇદે અમેરિકાને મદદની ઑફર કરી હતી. તેણે કહ્યું હતું કે અમેરિકાને કોઈ પણ પ્રકારની મદદ આપવા માટે તેમનું સંગઠન તૈયાર છે. ગત એપ્રિલમાં અમેરિકાએ હફીઝ સઇદ વિશે માહિતી આપનારને ૧ કરોડ ડૉલરનું ઇનામ જાહેર કર્યું હતું. ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયાં છે. ન્યુ યૉર્કના મેહટનમાં આવેલા એક સબ-સ્ટેશનમાં વિસ્ફોટ થતાં ૫૦,૦૦૦ લોકોના ઘરમાં વીજળી ગૂલ થઈ હતી. પાણીના સ્તરમાં સતત થઈ રહેલા વધારા બાદ ન્યુ જર્સીમાં આવેલા ઓસ્ટર ક્રીક ન્યુક્લિયર પ્લાન્ટમાં હાઇ અલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

તામિલનાડુ ને આંધ્ર પ્રદેશ પર આજે ત્રાટકશે વાવાઝોડું નીલમ

અમેરિકા અત્યાર વાવાઝોડા સૅન્ડીના આતંક સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત પર નીલમ નામના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારમાં આજે ‘નીલમ’ ત્રાટકશે એવી આગાહી છે. આ વાવાઝોડાને પગલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. બન્ને રાજ્યોની સરકારોએ ગઈ કાલે કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરી દીધી હતી.

હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ચેન્નઈથી ૫૦૦ કિલોમીટરના અંતરે સુમદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાયું હતું. આ વાવાઝોડું આજે તામિલનાડુના નાગાપટ્ટીનમ અને આંધ્ર પ્રદેશના વેલ્લોર પાસે ત્રાટકશે એવી શક્યતા છે. વાવાઝોડાને નામ આપવાની પ્રક્રિયાના ભાગરૂપ પાકિસ્તાને આ વાવાઝોડાને ‘નીલમ’ નામ આપ્યું હતું. બન્ને રાજ્યોમાં આવતા ૨૪ કલાકમાં દરિયો નહીં ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે એવી આગાહી કરી છે.

અમેરિકા પર સૅન્ડીની ઇફેક્ટ

૧૭ લોકોનાં મોત, ૬૨ લાખ લોકોના ઘરમાં વીજળી ગુલ.

૧૮૮૮ પછી પહેલી વાર ન્યુ યૉર્કનું શૅરબજાર સળંગ બે દિવસ બંધ રહ્યું.

૧૩,૫૦૦ ફ્લાઇટ કૅન્સલ થઈ.

૧૩૦ કિલોમીટરની સ્પીડે વાવાઝોડું ત્રાટક્યું.

ન્યુ યૉર્કની ઇમર્જન્સી સર્વિસને કલાકના ૨૦,૦૦૦ કૉલ્સ મળતા હતા.

ન્યુ યૉર્કના કાંઠા વિસ્તારમાં ૧૩ ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં.

અમેરિકી અર્થતંત્રને ૧૦થી ૨૦ અબજ ડૉલરનું નુકસાનનો અંદાજ.

ન્યુ જર્સી, ન્યુ યૉર્ક, મૅરિલૅન્ડ, નૉર્થ કૅરોલિના, વેસ્ટ વર્જિનિયા, પેન્સિલ્વેનિયાને સૌથી વધુ અસર.

ન્યુ યૉર્કની સિટી હૉસ્પિટલમાં જનરેટર ઠપ થતાં ૨૦૦થી વધુ પેશન્ટને તત્કાળ ખસેડાયા.

ન્યુ યૉર્કમાં નાઇન-ઇલેવનના સ્મારકમાં પણ પાણી ભરાઈ ગયાં.

કુલ પાંચ કરોડ લોકોને વાવાઝોડાની અસર.

ન્યુ યૉર્કમાં એક અઠવાડિયું અંધારપટ છવાયેલો રહેશે એવી શક્યતા.