અમેરિકી વીઝા માટે ગુજરાતીમાં વાત કરીને પણ લઈ શકાશે અપૉઇન્ટમેન્ટ

06 September, 2012 02:56 AM IST  | 

અમેરિકી વીઝા માટે ગુજરાતીમાં વાત કરીને પણ લઈ શકાશે અપૉઇન્ટમેન્ટ

અમેરિકાના વીઝા મેળવવા માટેની સિસ્ટમમાં આગામી ૨૬ સપ્ટેમ્બરથી ધરખમ ફેરફાર થઈ રહ્યો છે. જોકે અમેરિકી એમ્બેસીના જણાવ્યા પ્રમાણે આ નવી સિસ્ટમ વીઝા મેળવવાની પ્રક્રિયાને અઘરી નહીં પણ સરળ બનાવવા માટે લાગુ કરવામાં આવી રહી છે. પહેલી વાર વીઝા મેળવવા માગતા લોકો ફોન પર કે ઑનલાઇન અપૉઇન્ટમેન્ટ મેળવી શકશે એટલું જ નહીં; ફોન પર ગુજરાતી, હિન્દી, પંજાબી અને તેલુગુ જેવી ભારતીય ભાષાઓમાં પણ વાત કરીને અપૉઇન્ટમેન્ટ લઈ શકાશે.

નવી સિસ્ટમમાં વીઝા-ફી ચૂકવવાની પ્રોસેસને પણ સરળ બનાવવામાં આવી છે. ભારતીયો ઇલેક્ટ્રૉનિક ફન્ડ ટ્રાન્સફર કે મોબાઇલ ફોન દ્વારા પણ વીઝા-ફી ચૂકવી શકશે. આ ઉપરાંત એક્સિસ અને સિટી બૅન્કની ૧૮૦૦ જેટલી બ્રાન્ચોમાં પણ વીઝા-ફી કૅશમાં ચૂકવી શકાશે. તેઓ દેશભરમાં જુદા-જુદા સ્થળે આવેલાં ૩૩ સ્થળેથી પોતાના ડૉક્યુમેન્ટ્સ કલેક્ટ કરી શકશે.

નવી સિસ્ટમ મુજબ પહેલી વાર વીઝા મેળવવા માગતી વ્યક્તિએ બે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે જેમાં એક અપૉઇન્ટમેન્ટ ઑફસાઇટ ફેસિલેશન સેન્ટરમાં ફિંગરપ્રિન્ટ આપવા માટે તથા બીજી અપૉઇન્ટમેન્ટ એમ્બેસી કે કૉન્સ્યુલેટમાં ઇન્ટરવ્યુ આપવા માટે લેવી પડશે. અમેરિકી એમ્બેસીનાં મિનિસ્ટર કાઉન્સેલર જુલિયા સ્ટેન્લીએ કહ્યું હતું કે દુનિયાભરમાં અમેરિકી વીઝાની ડિમાન્ડ વધી હોવાથી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે અમેરિકા ક્વૉલિફાય થયેલા ભારતીયોને દસ વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વીઝા આપવાનું ચાલુ રાખશે તથા વીઝા ઍપ્લિકેશન તથા ઇન્ટરવ્યુની પ્રક્રિયા માત્ર ૧૦ દિવસમાં જ પૂરી કરી દેવામાં આવશે. સ્ટેન્લીનું કહેવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો દિવસ ને દિવસે મજબૂત થઈ રહ્યા છે તેથી જ બન્ને દેશોના લોકો વચ્ચે પણ સંબંધો ગાઢ બને એવું અમેરિકા ઇચ્છે છે. ભારતીય વિદ્યાર્થીઓને લેભાગુ યુનિવર્સિટીઓથી બચવાની સલાહ આપતાં સ્ટેન્લીએ અમેરિકામાં સ્ટડી કરવા માગતા વિદ્યાર્થીઓએ અમેરિકી એમ્બેસીસ્થિત ઑફિસ ઑફ એજ્યુકેશન યુએસએની સલાહને આધારે યુનિવર્સિટીની પસંદગી કરવાનું સૂચન આપ્યું હતું.

યુએસએ = યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા