19 August, 2025 08:27 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
માર્કો રુબિયો
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં ભારત અને ચીન પરની ટૅરિફ બાબતે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતી વખતે અમેરિકાનાં ભારત તરફનાં બેવડાં ધોરણોને ઉઘાડાં પાડી દીધાં હતાં.
એક ઇન્ટરવ્યુમાં માર્કો રુબિયોને પૂછવામાં આવ્યું કે ટ્રમ્પ પ્રશાસને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ચીન પર હજી ટૅરિફ લાદી નથી, જ્યારે ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદવામાં આવી છે? આ સવાલનો રુબિયોએ આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો.
આ સવાલના જવાબમાં માર્કો રુબિયોએ કહ્યું હતું કે ‘તમે જુઓ કે ચીન રશિયા પાસેથી જે ક્રૂડ ઑઇલ ખરીદી રહ્યું છે એને એ રિફાઇન કરી રહ્યું છે અને યુરોપિયન દેશોને પાછું વેચી રહ્યું છે. જો અમે ચીન પર પ્રતિબંધો લાદીશું તો એની વૈશ્વિક તેલના ભાવ પર ખરાબ અસર પડશે અને સમગ્ર વિશ્વમાં તેલના ભાવ આસમાને પહોંચશે. યુરોપિયન દેશોએ પણ ચીન પરના સંભવિત પ્રતિબંધો અંગે નિરાશા વ્યક્ત કરી હતી. અમે જ્યારે સેનેટ બિલ પર ચર્ચા કરી જેમાં ચીન અને ભારત પર ૧૦૦ ટકા ટૅરિફનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે ઘણા યુરોપિયન દેશો અસંમત થયા હતા. એટલે આ બાબતે યુરોપિયન દેશોએ જાતે નિર્ણય કરવો પડશે કે તેઓ રશિયા સાથેના વેપાર પરના પ્રતિબંધો વિશે શું કરી શકે એમ છે.’