કોરોના સંકટ : ભારત અમેરિકાના માર્ગે, 24 કલાકમાં 57,000 પૉઝિટિવ કેસ

02 August, 2020 11:32 AM IST  |  America | Agencies

કોરોના સંકટ : ભારત અમેરિકાના માર્ગે, 24 કલાકમાં 57,000 પૉઝિટિવ કેસ

પ્રતીકાત્મક તસવીર

૫૭,૦૦૦થી વધારે કેસ સામે આવતાં ભારે હલચલ મચી ગઈ હતી. અનલૉક-3.0માં પણ વધુ છૂટછાટો જાહેર કરવામાં આવતાં કેસ વધી શકે એમ છે. ગઈ કાલે શનિવારે છેલ્લા ૨૪ કલાકના એટલે કે શુક્રવારના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે ૫૭,૪૮૬ કેસ સામે આવ્યા હતા અને વધુ ૭૬૪નાં મોત પણ નોંધાયાં હતાં. કોરોના કેસે અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને કેસ વધવાને બદલે હવે ૫૦,૦૦૦ની પીક પકડી હોય એમ ૫૦,૦૦૦ની ઉપર કેસ બહાર આવી રહ્યા છે. આ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી અસરગ્રસ્ત દેશ બની રહ્યો છે. રોજેરોજના કેસ પણ હવે જાણે કે અમેરિકાની નજીક જઈ રહ્યા છે. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે ૧૭ લાખ નજીક પહોંચી ગઈ છે. ગણતરીના કલાકોમાં ૧૮ લાખને પાર થઈ જશે. સૌથી વધુ કેસ અનલૉક-2.0ના જૂન મહિનામાં નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૭૬૪ લોકોનાં મોત થયાં છે અને ૫૭,૪૮૬ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૬,૯૫,૯૮૮ પર પહોંચી છે અને ૩૬,૫૧૧ લોકોનાં મોત થયાં છે. આ ગાળા દરમ્યાન ૧૦,૯૪,૩૭૪ લોકો સાજા પણ થઈ ગયા છે અને હાલમાં સારવાર હેઠનના કેસની સંખ્યા ૫,૬૫,૧૦૩ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૭,૪૮૬ દરદી વધ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં ગુરુવારે સૌથી વધુ ૫૪,૭૫૦ દરદી મળ્યા હતા.

હજી દશકાઓ સુધી કોરોનાનો આતંક રહેશે : ડબ્લ્યુએચઓ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એક વખત કોરોના વાઇરસથી જલદી છૂટકારો નહીં મળે તે સ્પષ્ટ કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું કે ‘આવી મહામારીઓ સદીઓમાં એક વખત આવે છે અને એનો પ્રભાવ આગામી દશકાઓ સુધી અનુભવાશે.

ઇમર્જન્સી કમિટીની બેઠકમાં સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે જણાવ્યું કે ‘અનેક દેશ જે એવું માનતા હતા કે તેમણે કોરોનાને પાછળ છોડી દીધો છે તેઓ હવે નવા કેસ સામે ઝઝૂમી રહ્યા છે. કેટલાક એવા દેશો જે શરૂઆતમાં વાઇરસથી ઓછા પ્રભાવિત થયા હતા ત્યાં હવે ચિંતાજનક સ્થિતિ છે.’ તેમણે આગળ જણાવ્યું કે વૅક્સિન માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે, પરંતુ હવે આપણે વાઇરસ સાથે જીવતા શીખવું પડશે અને આપણા પાસે જેટલું પણ છે એના વડે તેનો સામનો કરવો પડશે.

united states of america coronavirus covid19 lockdown international news