શું અમેરિકાના રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું?

17 January, 2019 05:15 PM IST  | 

શું અમેરિકાના રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું?

ટ્રંપે આપ્યું રાજીનામું?

મેક્સિકોની દીવાલને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રંપની જીદના કારણે અમેરિકામાં લાંબા સમયથી શટડાઉન ચાલી રહ્યું છે. એવામાં બુધવારે અચાનક ખબર સામે આવી કે ટ્રંપે રાજીનામું આપી દીધું છે. આ ખબરે અમેરિકા સહિત દુનિયાભરમાં રાજનૈતિક ભૂકંપ લાવી દીધો હતો. જાણો શું છે આખો મામલો.

બુધવારે જાણીતા અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર વૉશિંગ્ટન પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રંપના રાજીનામાની ખબર છપાઈ હતી. કેટલાક લોકોએ આ અખબારનું વ્હાઈટ હાઉસની આસપાસ અને વૉશિંગ્ટનના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં વિતરણ કર્યું હતું. અને થોડા જ સમયમાં આ ખબર દુનિયાભરમાં ફેલાઈ ગઈ. ખબર ફેલાતા જ અમેરિકા સહિત વિશ્વભરમાં ટ્રંપના વિરોધીઓ ખુશીઓ મનાવવા લાગ્યા.

જો કે, થોડી જ વારમાં એ સ્પષ્ટ થઈ ગયું કે આ ખબરો નકલી છે. એટલું જ નહીં, આ ખબર વૉશિંગ્ટન પોસ્ટની જે એડિશનમાં છપાયું હતું તે પણ નકલી હતું. નકલી અખબાર છાપનારે તેની હૂબહૂ નકલ તૈયાર કરી હતી. તેમાં અખબારનું નામ અને લોગો પણ એવો જ રાખવામાં આવ્યો હતો.

આવી રીતે છપાયા હતા સમાચાર

અખબારમાં શિર્ષણ આપવામાં આવ્યું હતું, ‘UNPRESIDENTED Trump hastily departs White House, ending crisis’(અનઅપેક્ષિતઃ ટ્રંપની વ્હાઈટ હાઉસમાંથી વિદાય, સંકટ ખતમ). સાથે ચાર કૉલમમાં ટ્રંપની તસવીર પણ લગાવવામાં આવી છે. જેમાં ટ્રંપ માથું ઝુકાવીને જતા નજર પડે છે. ખાસ વાત એ છે કે આ અખબારમાં પ્રકાશનની તારીખ 1 મે, 2019 લખી હતી.

મહિલાએ વહેચ્યા નકલી અખબાર

એક મહિલાએ આ નકલી અખબાર વહેચ્યા હોવાનો ખુલાસો થયો છે. મહિલા લોકોને કહી રહી હતી કે આ વૉશિંગ્ટન પોસ્ટની ખાસ એડિશન છે. બાદમાં આ એડિશન નહીં મળે. મહિલા આ અખબારો મફતમાં વેચી રહી હતી.

વૉશિંગ્ટન પોસ્ટે કર્યું ખંડન

આ મામલે વ્હાઈટ હાઉસની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. જો કે, આ ખબરનું વૉશિંગ્ટન પોસ્ટે ખંડન કર્યું છે. ટ્વીટ કરીને વૉશિંગ્ટન પોસ્ટે સ્પષ્ટ કર્યું કે આ ખબર નકલી છે. આ એડિશન સાથે વૉશિંગ્ટન પોસ્ટને કાંઈ લેવાદેવા નથી.

ટ્રંપની સામે ગુસ્સાનું આ છે કારણ

અમેરિકા અને મેક્સિકો વચ્ચે દીવાલ બાંધવા માટે ટ્રંપે સંસદ પાસે વધારાની રકમ માંગી હતી. જે આપવાનો સંસદે ઈન્કાર કરી દેતા ટ્રંપે શટડાઉનની જાહેરાત કરી હતી. યૂએસમાં શટડાઉનના કારણે આઠ લાખ કર્મચારીઓ રજા પર ચાલ્યા ગયા છે. અને આ સંકટ જલ્દીથી ખતમ થાય તેમ પણ નથી. ટ્રંપે એવી પણ ચેતવણી આપી છે કે તો સંસદ તેને ફંડ નહીં આપે તો તે દેશભરમાં કટોકટી લાગૂ કરી દેશે. જેના કારણે ટ્રંપનો વિરોધ થઈ રહ્યો છે.

united states of america donald trump world news