આખરે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો કોરોનાનો ડર, જાહેરમાં માસ્કમાં જોવા મળ્યા

12 July, 2020 03:07 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

આખરે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો કોરોનાનો ડર, જાહેરમાં માસ્કમાં જોવા મળ્યા

જાહેરમાં માસ્ક પહેરીને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર જોવા મળ્યા હતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત જાહેરમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ રીડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલ જવાનોને મળવા ગયા હતા. ત્યારે તેમણે કાળો માસ્ક પહેર્યો હતો. જેના પર પ્રેસિડેન્શિયલ સીલ લાગેલું હતું.

માસ્ક પહેરવા અંગે જ્યારે મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્નો કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, હું ક્યારેય માસ્ક પહેરવાની વાતનો વિરોધી ન હતો. માસ્કને પહેરવાનો ચોક્કસ સમય અને જગ્યા હોય છે. વધુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, મારી પાસે હમેશાં એક માસ્ક હોય જ છે. મારું માનવું છે કે જ્યારે તમે હોસ્પિટલમાં જાવા છો અને ખાસ કરીને જ્યારે કોઈ સૈનિક સાથે તમારે વાત કરવાની હોય જેનું તાજેતરમાં જ ઓપરેશન કરવામાં આવ્યું હોય તો આવા સંજોગોમાં માસ્ક પહેરવું યોગ્ય છે.

સીએનએનના રિપોર્ટ મુજબ, વ્હાઈટ હાઉસના સહયોગીઓ અને રાજકીય સલાહકારોના અભિયાનના કારણે ટ્રમ્પે માસ્ક પહેરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પની સાથેના બીજા સ્ટાફે પણ કાળા માસ્ક પહેર્યા હતા.

અમેરિકામાં કોરોનાના સંક્રમણ રોકવા માટે સરકારે લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. પરંતુ તેનાથી વિરુદ્ધ ટ્રમ્પ આ વાતને ગણકારતા નથી. તેઓ કોઈ પણ રેલી, બ્રિફિંગ કે બીજી જગ્યાઓ પર માસ્ક સાથે જોવા મળતા નથી. વ્હાઈટહાઉસના સ્ટાફના પણ કેટલાક લોકો કોરોના પોઝિટિવ છે, છતાં ટ્રમ્પ માસ્ક પહેર્યો ન હતો. પરંતુ શનિવારે તેઓ પહેલીવાર માસ્કમાં જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે, અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધીમાં 33.55 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 1.37 લાખ લોકોના મોત થયા છે. શનિવારે અહીં 61,719 કેસ નોંધાયા હતા.

coronavirus covid19 united states of america donald trump