નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન

09 September, 2020 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામાંકન

ફાઈલ ફોટો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આવતા વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી છે. નોર્વેના પ્રોગ્રેસ પાર્ટીના સંસદસભ્ય અને નાટો સંસદીય સભાના ચેરમેન ક્રિશ્ચિયન ટાઈબ્રિંગ ગજેડે ટ્રમ્પને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નામાંકન કર્યું છે.

ઈઝરાયલ અને યુએઈ વચ્ચેના શાંતિ કરારમાં ટ્રમ્પની મહત્વની ભૂમિકા હોવાથી આ પુરસ્કાર માટે તેમનું નામાંકન કરવામાં આવ્યું છે. ટાઈબ્રિંગે વર્ષ 2018માં ડોનાલ્ડ ટ્રમ્પને આ પુરસ્કાર માટે નામાંકન કર્યું હતું.

ટાઈબ્રિંગે કહ્યું કે, ટ્રમ્પે ફક્ત ઈઝરાયલ અને યુએઈ વચ્ચે જ શાંતિ નથી બનાવી, પણ નોર્થ કોરિયા અને ઈરાન સાથે પણ શાંતિપૂર્ણ વાતચીતની અપીલ કરી છે, જે નોંધપાત્ર છે. વૈશ્વિક શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પ સિવાય આ પુરસ્કાર માટેના અન્ય કોઈ નામાંકન વ્યક્તિએ કર્યું નથી. જ્યારે પણ કોઈ બે દેશ વચ્ચે વિવાદ થાય તો ટ્રમ્પ હંમેશા મધ્યસ્થી બને છે, તેથી આ પુરસ્કારના તે જ હકદાર છે.

તેમણે કહ્યું કે, આ પુરસ્કાર માટેની ટ્રમ્પ ત્રણેય પાત્રતા પુરી કરે છે. તેમણે કોઈ પણ દેશ સાથે સશસ્ત્ર સંઘર્ષને પ્રોત્સાહન આપ્યુ નથી અને યુદ્ધની પહેલ પણ કરી નથી. તેમણે વાતચીત કરીને દરેક વિવાદનો અંત લાવ્યો છે. ટ્રમ્પે મિડલ ઈસ્ટના દેશોમાં નાટો અને અમેરિકન સૈનિકોની સંખ્યા ઓછી કરી છે. 39 વર્ષથી અમેરિકાના પ્રેસિડેન્ટ્સ અમેરિકાને યુદ્ધની સ્થિતિમાં મૂકતા હતા અને આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર વિવાદમાં ગૂંચવણ ઉભી કરતા હતા. ટ્રમ્પે આને સમાપ્ત કર્યું છે.

નોબેલ શાંતિ પુરસ્કાર માટે વ્યક્તિ યોગ્ય હોવો જોઈએ, લોકપ્રિય હોવો જોઈએ. રાષ્ટ્રીય નેતા અને પ્રોફેસર આ પુરસ્કાર મેળવતા હોય છે. 2020માં આ પુરસ્કાર માટે 318 નામની ભલામણ થઈ હતી, જેમાં 211 લોકો અને 107 સંગઠન હતા.

donald trump