ચાર ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડનાર એજન્ટે પોતાની જાતને દોષી ના ગણાવી

29 May, 2023 11:04 AM IST  |  Houston | Gujarati Mid-day Correspondent

મહેસાણાના પટેલ પરિવારના ચાર સભ્યો ઠંડીને કારણે કૅનેડાની સરહદ પર મરણ પામ્યા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૅનેડાથી અમેરિકા જતાં ઠંડીને કારણે ઠૂઠવાઈને મરણ પામેલ મહેસાણાના માણેકપુર ગામના પટેલ પરિવારના ચાર સભ્યોનાં મોત માટે ફ્લૉરિડાની કોર્ટમાં દલીલ દરમ્યાન આરોપીએ પોતે દોષી ન હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. અમેરિકાના મિનેસોટા રાજ્યના દુલુથ શહેરમાં ૪૮ વર્ષના આરોપી સ્ટીવ સૅન્ડને વિડિયો-કૉન્ફરન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સ્ટીવ સૅન્ડ પર ૨૦૨૨ની જાન્યુઆરીની ઠંડીના દિવસો દરમ્યાન ગેરકાયદે ચાર ભારતીયોને અમેરિકા લાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૨માં તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં અમેરિકાની બૉર્ડર પોલીસે તેને બે ભારતીયોને એક ભાડાની વૅનમાં લઈ જતો હતો ત્યારે પક્ડયો હતો. ત્યાંથી અંદાજે થોડેક મીટર દૂર કૅનેડાની પોલીસે ઠંડીને કારણે મરણ પામેલા ચાર ભારતીયો મળી આવ્યા હતા, જેમની ઓળખ જગદીશ પટેલ (૩૯), પત્ની વૈશાલીબહેન (૩૭), દીકરી વિહાંગી (૧૧) અને પુત્ર ધાર્મિક (૩)નો સમાવેશ થાય છે. પોલીસને આવી ભયાનક ઠંડીમાં ચાલીને આવતા અન્ય પાંચ ભારતીયો પણ મળી આવ્યા હતા તેમ જ એ જ રોડ પર આરોપી સ્ટીવ સૅન્ડને પકડવામાં આવ્યો હતો. જો તે આરોપી સાબિત થાય તો તેને ૨૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. મહેસાણાનો પરિવાર મુસાફરી દરમ્યાન અન્ય મોટા જૂથથી અલગ પડી ગયો હતો. ૨૦૨૩ના નાણાકીય વર્ષ દરમ્યાન કૅનેડાથી અમેરિકા આવવા માગતા કુલ ૭૬,૪૭૧ બનાવો નોંધાયા છે, જે ગયા વર્ષના ૧૨ મહિના દરમ્યાન નોંધાયેલા ૬૮,૯૩૫ બનાવો કરતાં વધારે છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં કૅનેડામાંથી ગેરકાયદે અમેરિકા આવવાના પ્રયાસમાં સેન્ટ લોરેન્સ નદી પાર કરવા જતાં એક ભારતીય અને એક રોમાનિયન પરિવારના કુલ ૮ લોકો ડૂબી ગયા હતા.

international news united states of america canada houston texas