બાલ્કની ઝવાહિરીને મોતના મુખમાં લઈ ગઈ

03 August, 2022 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાએ અલ-કાયદાના નેતા અલ-ઝવાહિરીનો એક સીક્રેટ ઑપરેશનમાં ખાતમો બોલાવ્યો

ઓસામા બિન લાદેનની સાથે અલ-ઝવાહિરી

વૉશિંગ્ટન : અમેરિકાએ એક ડ્રોન હુમલો કરીને અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીનો ખાતમો બોલાવ્યો છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને સોમવારે વાઇટ હાઉસમાંથી એક સ્પીચમાં જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મેં એક સચોટ સ્ટ્રાઇક માટે મંજૂરી આપી હતી, જેનાથી તે હંમેશ માટે યુદ્ધભૂમિમાંથી જતો રહ્યો.’
અમેરિકાએ ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવ્યો એના પછી ઝવાહિરી આંતરરાષ્ટ્રીય સ્તરે અલ-કાયદાનો ચહેરો બન્યો હતો. એક સમયે તે બિન લાદેનના પર્સનલ ફિઝિશ્યન તરીકે કામ કરતો હતો.
બાઇડને કહ્યું હતું કે ઝવાહિરી તેના પરિવારની સાથે રહેવા માટે કાબુલમાં આશરો લઈ રહ્યો હતો. બે હેલફાયર મિસાઇલ્સનો ઉપયોગ કરીને તેના પર સચોટ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ૩૧ જુલાઈએ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના સમયે કાબુલની ધરતી પર એક પણ અમેરિકન સૈનિક નહોતો.
૩૧મી જુલાઈએ અલ-ઝવાહિરી એક ઘરની બાલ્કનીમાં દેખાતાં ડ્રોનથી હુમલો કરીને તેને મારવામાં આવ્યો હતો.
તાલિબાનના ટોચના નેતાઓને એ એરિયામાં ઝવાહિરીની હાજરીની જાણ હતી. હુમલા બાદ ઝવાહિરીની હાજરી વિશેની વાત છુપાવવાની પણ કોશિશ તેમણે કરી હતી. આ હુમલા બાદ ઝડપથી ઝવાહિરીની દીકરી અને તેનાં સંતાનો સહિત તેના પરિવારના સભ્યોને બીજી જગ્યાએ લઈ જવાયા હતા. ઝવાહિરીના ફૅમિલીમેમ્બર્સને ઇરાદાપૂર્વક ટાર્ગેટ નહોતા બનાવવામાં આવ્યા હતા. તેમને કોઈ નુકસાન પહોંચાડવામાં નહોતું આવ્યું.
અલ-ઝવાહિરીનું મૃત્યુ એ અલ-કાયદા માટે ઓસામા બિન લાદેન પછી બીજો સૌથી મોટો આંચકો છે. અમેરિકાએ જે રીતે આ ઑપરેશન પાર પાડ્યું એ ખરેખર પ્રશંસનીય છે. બરાબર આ જ રીતે અમેરિકાએ ઓસામા બિન-લાદેનનો પણ પાકિસ્તાનમાં ખાતમો બોલાવ્યો હતો.
અમેરિકાને શંકા હતી કે ઝવાહિરી પાકિસ્તાનના આદિવાસી વિસ્તાર કે પછી અફઘાનિસ્તાનમાં છુપાયો છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવી લેવામાં આવ્યા એના પછી અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓને કાબુલમાં અલ-કાયદાની હાજરીના પુરાવા મળી રહ્યા હતા.
આ વર્ષે અમેરિકન અધિકારીઓને માહિતી મળી હતી કે ઝવાહિરી, તેની પત્ની અને સંતાનો કાબુલના એક ઘરમાં રહે છે. એ જગ્યાએ ત્યાં ઝવાહિરી હોવાની ઓળખ કરવામાં આવી હતી.
ત્યાર પછીના કેટલાક મહિનાઓમાં સિક્યોરિટી એજન્સીઓએ કન્ફર્મ કર્યું હતું કે ઓળખ કરવામાં આવેલી 
વ્યક્તિ અલ-કાયદાનો ચીફ અલ-ઝવાહિરી જ છે.
ત્યાર પછી એપ્રિલથી બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશનના સિનિયર અધિકારીઓએ એના વિશે બ્રીફિંગ કરવાનું શરૂ કર્યું.
સીઆઇએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)એ ઝવાહિરીના ઘર વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. ઘર કેવી રીતે બન્યું છે, એના આવવા-જવાના કેટલા રસ્તા છે એની જાણકારી મેળવવામાં આવી.
પહેલી જુલાઈએ સીઆઇએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સે વાઇટ હાઉસ સિચુએશન રૂમમાં જો બાઇડન અને કૅબિનેટના અન્ય મેમ્બર્સને આ ઑપરેશન વિશે જાણકારી આપી. એ સમયે અલ-ઝવાહિરીના ઘરનું મૉડલ પણ બાઇડેનને બતાવવામાં આવ્યું હતું.
૨૫ જુલાઈએ આ મિશનને અંતિમ સ્વરૂપ આપવા માટે છેલ્લી મીટિંગ મળી, જેમાં સચોટ ડ્રોન હુમલા માટે પ્રેસિડન્ટે મંજૂરી આપી હતી. ૩૧મી જુલાઈએ અલ-ઝવાહિરી આ ઘરની બાલ્કનીમાં દેખાયો, એના પછી ડ્રોનથી હુમલો કરીને તેને મારવામાં આવ્યો હતો. 

world news united states of america osama bin laden