ઇઝરાયલ અને પૅલેસ્ટીનના સંઘર્ષમાં વૉશિંગ્ટનનું બેવડું વલણ

03 August, 2014 05:24 AM IST  | 

ઇઝરાયલ અને પૅલેસ્ટીનના સંઘર્ષમાં વૉશિંગ્ટનનું બેવડું વલણ


ઇઝરાયલ અને પૅલેસ્ટીન વચ્ચે છેલ્લા લગભગ એકાદ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાનું બેવડું વલણ હવે ઉઘાડું પડ્યું છે. આ સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા એક તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે મળીને પ્રયાસ કરી રહ્યું છે અને બીજી તરફ વૉશિંગ્ટને ઇઝરાયલી લશ્કરી દળોને મિસાઇલ ખરીદવા માટે ૨૨.૫ કરોડ ડૉલર (અંદાજે ૧૩૦૦ કરોડ રૂપિયા)ના પૅકેજને મંજૂરી આપી છે.

અમેરિકન કૉન્ગ્રેસે મંજૂર કરેલા આ પૅકેજનાં નાણાંમાંથી ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમ માટે ઉપયોગ માટેનાં મિસાઇલો ખરીદવામાં આવશે. આયર્ન ડોમ સિસ્ટમનો ઉપયોગ ગાઝા પટ્ટી તરફથી છોડવામાં આવતાં રૉકેટોને તોડી પાડવા માટે કરવામાં આવે છે. છેલ્લાં ચાર સપ્તાહમાં ઇઝરાયલે પૅલેસ્ટીનના સંગઠન હમાસનાં સંેકડો રૉકેટો આ સિસ્ટમ મારફત તોડી પાડ્યાં છે.

અમેરિકન કૉન્ગ્રેસની મંજૂરી મળ્યા પછી ઇઝરાયલ પૅકેજ-ખરડાને પ્રમુખ બરાક ઓબામાની મંજૂરી માટે મોકલવામાં આવશે અને ઓબામા એને વિના વિલંબે મંજૂરી આપી દેશે એવું માનવામાં આવે છે. ઓબામાએ ઇઝરાયલની આત્મરક્ષાની નીતિનું સમર્થન કર્યું હતું, પણ ઇઝરાયલના આક્રમણમાં પૅલેસ્ટીનવાસીઓનાં મોતની ટીકા કરી હતી.

પોતાના ગુમ થયેલા એક સૈનિક શોધવા માટે ઇઝરાયલે ગઈ કાલે રાતભર સધર્ન ગાઝા સ્ટ્રિપ પર જોરદાર આક્રમણ કર્યું હતું. ઇઝરાયલને શંકા છે કે હમાસ દ્વારા તેના સૈનિકનું અપહરણ કરવામાં આવ્યું છે. હમાસના કબજા હેઠળના સમગ્ર ગાઝા વિસ્તારમાં ગઈ કાલના ઇઝરાયલી હુમલામાં જ ૧૬૦ લોકો માર્યા ગયા હતા. ગાઝાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ઇઝરાયલી આક્રમણને કારણે છેલ્લા એક મહિનામાં ૧૬૫૦થી વધુ પૅલેસ્ટીનવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ૮૯૦૦થી વધુ લોકોને ઈજા થઈ છે.