11 July, 2026 09:36 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને ‘ટ્રાન્સનૅશનલ ફાર-લેફ્ટ ટેરરિઝમ’ એટલે કે આંતરરાષ્ટ્રીય ડાબેરી આતંકવાદના પુનરુત્થાન અંગે ચર્ચા કરવા માટે ભારત અને ૬૦થી વધુ દેશોને આવતા અઠવાડિયે ઉચ્ચ-સ્તરીય મંત્રીસ્તરીય બેઠકમાં આમંત્રણ આપ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત આતંકવાદવિરોધી સહયોગ છે. બન્ને દેશો ડાબેરી ઉગ્રવાદ સંબંધિત બાબતો પર પણ માહિતી શૅર કરે છે.
અમેરિકાના ગૃહપ્રધાન માર્કો રુબિયોએ ડાબેરી આતંકવાદને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે અને ગુપ્ત માહિતી શૅર કરવાની શરૂઆત કરી છે. પ્રસ્તાવિત વાટાઘાટોનો હેતુ ગુપ્ત માહિતીની વહેંચણી અને કાયદાના અમલીકરણના સહયોગને મજબૂત બનાવવાનો છે જોકે આમંત્રિત ઘણા યુરોપિયન દેશોએ આ વર્ગીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એની અર્જન્સી અને હેતુ પર સવાલ ઉઠાવ્યા છે.
ભારતમાં એને ‘ડાબેરી ઉગ્રવાદ’ અથવા ‘નક્સલવાદ’ તરીકે ઓળખવામાં આવે છે. ગૃહમંત્રાલય હેઠળ ભારત સરકાર માઓવાદી જેવાં સંગઠનો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હિંસા દ્વારા હાલની લોકશાહી વ્યવસ્થાને ઉથલાવી પાડવાનો છે.