ચીનની ધમકીઓને સદંતર અવગણીને પેલોસી તાઇવાનના પ્રેસિડન્ટને મળ્યાં

04 August, 2022 09:10 AM IST  |  Taipei | Gujarati Mid-day Correspondent

આ મુલાકાતથી ચીન ખૂબ જ અકળાયું છે

તાઇપેમાં ગઈ કાલે એક મીટિંગ દરમ્યાન અમેરિકાના હાઉસનાં સ્પીકર નૅન્સી પેલોસી અને તાઇવાનનાં પ્રેસિડન્ટ ત્સાઇ ઇંગ વેન.

ચીનની ધમકીઓને અવગણીને અમેરિકાના હાઉસનાં સ્પીકર નૅન્સી પેલોસી ગઈ કાલે તાઇવાનના પ્રેસિડન્ટ ત્સાઇ ઇંગ વેનને મળ્યાં હતાં. આ મુલાકાતથી ચીન ખૂબ જ અકળાયું છે. તાઇપેમાં એક મીટિંગમાં ત્સાઇએ લોકતાંત્રિક મૂલ્યોને સપોર્ટ બદલ પેલોસીનો આભાર વ્યક્ત કર્યો હતો. પેલોસીની તાઇવાનની મુલાકાતને ચીને વન-ચાઇના પૉલિસીનો ભંગ અને ચીનની આંતરિક બાબતોમાં દખલ ગણાવી હતી. ચીને અઠવાડિયા સુધી પેલોસીને તાઇવાનની મુલાકાત ન લેવા ધમકીભર્યા સૂરે કહ્યું હતું. ચીન તાઇવાનને પોતાનો પ્રદેશ ગણે છે. પેલોસી અને ત્સાઇએ તાઇપેમાં પ્રેસિડન્ટની ઑફિસમાં મીટિંગ બાદ મીડિયાને સંબોધિત કર્યું હતું.

"અમારું ડેલિગેશન એ વાત અત્યંત સ્પષ્ટ કરવા માટે તાઇવાનમાં આવ્યું છે કે અમે તાઇવાનને આપેલું અમારું કમિટમેન્ટ છોડીશું નહીં અને અમને અમારી સ્થિર દોસ્તી પર ગર્વ છે. તાઇવાન સાથેની અમેરિકાની એકતા અત્યારે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આજે અહીં અમે એ જ મેસેજ લાવ્યા છીએ." નૅન્સી પેલોસી, અમેરિકન હાઉસનાં સ્પીકર

"ઇરાદાપૂર્વક આક્રમક રીતે અપાતી લશ્કરી ધમકીઓનો સામનો કરવા છતાં તાઇવાન પીછેહઠ નહીં કરે. અમે અમારા દેશના સાર્વભૌમત્વ અને લોકશાહીનું મક્કમતાથી રક્ષણ કરીશું. અમે લોકતાંત્રિક મૂલ્યોનું સાથે મળીને રક્ષણ કરવા માટે દુનિયાભરના તમામ લોકતાંત્રિક દેશોની સાથે એકતાની ભાવનાથી કામ કરવા ઇચ્છીએ છીએ." : ત્સાઇ ઇંગ વેન, તાઇવાનના પ્રેસિડન્ટ 

international news taiwan china