યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ લીધી તાઇવાનની મુલાકાત, રોષે ભરાયું ચીન

03 August, 2022 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાઇવાનને પોતાનો વિસ્તાર ગણાવતા ચીનની વારંવાર નિંદા વચ્ચે યુએસ હાઉસના સ્પીકરે મંગળવારે રાત્રે તાઇવાન પહોંચ્યા હતા

તસવીર સૌજન્ય: એપી

યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ બુધવારે સવારે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેન સાથે મુલાકાત કરી અને દેશ માટે વોશિંગ્ટનના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે યુએસ તાઇવાનના સાર્વભૌમત્વને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

પેલોસીએ કહ્યું કે “અમેરિકાએ હંમેશા તાઈવાન સાથે ઊભા રહેવાનું વચન આપ્યું છે. આ મજબૂત પાયા પર અમારી પાસે એક સમૃદ્ધ ભાગીદારી છે જે સ્વ-શાસન અને સ્વ-નિર્ધારણ પર આધારિત છે.”

તાઇવાનને પોતાનો વિસ્તાર ગણાવતા ચીનની વારંવાર નિંદા વચ્ચે યુએસ હાઉસના સ્પીકરે મંગળવારે રાત્રે તાઇવાન પહોંચ્યા હતા. પેલોસી ઉતર્યાના થોડા સમય પછી, 21 ચીની લશ્કરી વિમાનોએ તાઈવાનના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)ના દક્ષિણપશ્ચિમમાં ઉડાન ભરી, જેની તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય (MND) દ્વારા પુષ્ટિ મળી.

તાઈપેમાં રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે ત્સાઈ ઈંગ-વેન સાથેની તેમની મુલાકાત દરમિયાન, પેલોસીએ તાઈવાનને એક સમૃદ્ધ દેશ ગણાવ્યો અને કહ્યું કે તાઈપેએ વિશ્વને સાબિત કર્યું છે કે દેશ સામે પડકારો હોવા છતાં તે આશા, હિંમત, સંકલ્પ, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.

“હવે તાઇવાન સાથે અમેરિકાની એકતા પહેલાં કરતા વધુ મહત્વપૂર્ણ છે અને તે જ સંદેશ છે જે અમે આજે અમારી સાથે લાવ્યા છીએ.” તેમણે કહ્યું હતું.

અગાઉ, પેલોસીએ તાઈવાનની સંસદની મુલાકાત લીધી હતી અને ડેપ્યુટી સ્પીકર ત્સાઈ ચી-ચાંગ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે બેઠક દરમિયાન કહ્યું કે, “અમે મિત્રતાને વધુ મજબૂત કરવા માટે તાઈવાન આવ્યા છીએ અને અમે આ ક્ષેત્રમાં શાંતિ ઈચ્છીએ છીએ.”

જોકે તેમનો તાઇવાન પ્રવાસ પૂરો કરીને દક્ષિણ કોરિયા જવા રવાના થઈ ગયા છે. પેલોસીના તાઇવાન પ્રવાસથી ચીને ગુસ્સે થઈને તાઇવાન પર અનેક પ્રતિબંધો લાદી દીધા છે.

international news china united states of america